(એજન્સી) તા.૨૪
ગુરૂવારે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ચિંતિત નાગરિકોએ જણાવ્યું હતું કે શાહિનબાગ ખાતેના સીએએ વિરોધી દેખાવોના સંદર્ભમાં હવે માત્ર નિયત સ્થળોએ જ દેખાવ કરવા દેવામાં આવે એવો તાજેતરનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો લોકતંત્રની મજાક સમાન છે.
આ ચિંતિત નાગરિકોએ લોકતંત્રને જીવંત રાખવા ફરીથી શેરીઓમાં આવી જવાની પ્રતિજ્ઞા લીધી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એવું જણાવાયું હતું કે શાહિન બાગ જેવા વિરોધ દેખાવો સ્વીકાર્ય નથી અને પ્રશાસને દેખાવકાર નાગરિકો દ્વારા કોઇ પણ પ્રકારના અવરોધ કે દબાણને હટાવવા માટે કાર્યવાહી કરવી જોઇએ. મેકસેસે એવોર્ડ વિજેતા અરુંધતી રોયે જણાવ્યું હતું કે હવે આ પ્રકારના વિરોધનું અપરાધીકરણ કરવામાં આવ્યું છે.
સીએએ, એનઆરસી અને એનપીઆર સામે વિરોધ કરનારા અસંખ્ય યુવાનોને જેલમાં ધકેલી દેવાયાં છે. આ દેખાવકારોની માગણી હતી કે ગેરબંધારણીય કાયદો સીએએ પાછો ખેંચી લેવામાં આવે. અરુંધતી રોયે કાશ્મીર, પૂર્વોત્તરના રાજ્યો અને છત્તીસગઢ અંગે પણ વાત કરી હતી કે જ્યાં હજારો આદિવાસીઓ અને અન્ય નાગરિકો સામે યુએપીએ હેઠળ દેશદ્રોહ અને આતંકવાદના કેસો દાખલ કરીને જેલમાં ધકેલી દેવાયાં છે.
મીડિયાને ડરપોક પાલતુઓ તરીકે ગણાવીને અરુંધતી રોયે જણાવ્યું હતું કે ઉમર ખાલીદની વાત કરીએ તો તેમના અંગે કેટલા વર્ષોથી જૂઠાણું ચલાવવામાં આવ્યું હતું. હાથરસ ગેંગરેપ કાંડ અંગે બોલતાં અરુંધતી રોયે જણાવ્યું હતું કે હાથરસમાં જે કંઇ બન્યું તે બતાવે છે કે દેશનું પ્રત્યેક અંગ સડી ગયું છે. આજે આપણે એવા દેશમાં છીએ કે જેનું અર્થતંત્ર વિકટ હાલતમાં છે. લોકો ભૂખ્યાં છે, લોકોએ રોજગાર ગુમાવી દીધાં છે અને અંદરખાને આપણી પાસે નફરત છે. સ્વરાજ આંદોલનના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે મંજૂરી નહીં આપીને તેઓ વિરોધને વિલંબમાં નાખે છે. યુનાઇટેડ અગેન્સ્ટ હેટના સંસ્થાપક નદીમ ખાને જણાવ્યું હતું કે તેમણે સ્વાતંત્ર્યસેનાની અસ્ફાક અલ્લા ખાનના જન્મદિને એવી જાહેરાત કરી હતી કે જ્યાં સુધી કાયદો પાછો ખેંચી લેવામા ંનહીં આવે ત્યાં સુધી સીએએ સામે વિરોધ ચાલુ રહેશે.