દેશમાં સંખ્યાના આધારે ૧૬.૬ ટકા મુસ્લિમો દોષિત, ૧૮.૭ ટકા અંડરટ્રાયલ
અને ૩૫.૮ ટકા અટકાયત હેઠળ બંધ છે, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૨૧,૧૩૯
મુસ્લિમો અદાલતી કાર્યવાહી હેઠળ વિવિધ જેલોમાં કેદ : NCRB

(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
ભારતીય જેલોની સ્થિતિ પાછલા પાંચ વર્ષોમાં કેટલીક હદે જ સુધરી છે અને કોઇપણ સાંકેતિક રીતે કેદીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો હિંદુ વસ્તીની ઉચ્ચ જાતિ સાથે સરખામણી કરાતા અપરાધિક ન્યાય સિસ્ટમના વિષયે મુસ્લિમ, દલિતો અને આદિવાસીઓની સંખ્યા જેલોમાં અપ્રમાણસર છે. એનસીઆરબીના નવા જેલના આંકડા દર્શાવે છે કે, જેલોમાં કેદ મુસ્લિમો, દલિતો અને આદિવાસીઓની સંખ્યા બહારની સંખ્યાની સરખામણીએ અધિક છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી ભારતની વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા માત્ર ૧૪.૨ ટકા હતી પરંતુ તેના ૧૬.૬ ટકા લોકો દોષિત ઠેરવાયા છે, ૧૮.૭ ટકા લોકો સામે કેસ ચાલી રહ્યો છે જ્યારે ૩૫.૮ ટકા મુસ્લિમો ભારતની વિવિધ જેલોમાં અટકાયત હેઠળ બંધ છે. બીજી તરફ દેશમાં વસ્તીના આધારે ૧૬.૬ ટકા ફાળો ધરાવતા દલિતોમાંથી ૨૧.૭ ટકા લોકોને દોષિત ઠેરવાયા છે અને ૨૧ ટકા લોકો સામે સુનાવણી ચાલી રહી છે જ્યારે ૧૮.૫ ટકા દલિતો ભારતની વિવિધ જેલોમાં બંધ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર આ સમયગાળામાં આદિવાસીઓની વસ્તી ૮.૬ ટકા હતી અને ૧૩.૬ ટકા આદિવાસીઓ વિવિધ જેલોમાં દોષિત થઇ સજા કાપી રહ્યા છે અને ૧૦.૫ ટકા આદિવાસી સામે સુનાવણી ચાલે છે અને ૫.૬૮ ટકા લોકો કોઇ સુનાવણી વિના જેલોમાં બંધ છે. રાજ્યવાર જોવામાં આવે તો દલિતો સામે સુનાવણી સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં(૧૭,૯૯૫), બાદમાં બિહાર(૬,૮૪૩) અને પંજાબ(૬,૮૩૧). મધ્યપ્રદેશમાં સૌથી વધુ આદિવાસી(૫,૮૯૪) અદાલતી કાર્યવાહી હેઠળ કેદ છે. જ્યારે છત્તીસગઢમાં આ સંખ્યા ૩,૪૭૧ અને ઝારખંડમાં તે ૩,૩૩૬ છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ મુસ્લિમો (૨૧,૧૩૯) અદાલતી કાર્યવાહી હેઠળ જેલમાં છે. પશ્ચિમ બંગાળમાં પણ ૬૦૩૨ મુસ્લિમો અંડરટ્રાયલ હેઠળ છે અને બિહારમાં ૪૭૫૮ મુસ્લિમો અંડરટ્રાયલમાં છે. ૨૦૧૪માં પાંચ વર્ષ પહેલા મુસ્લિમોમાં દોષિત, અંડરટ્રાયલ અને અટકાયતીઓની સંખ્યા અનુક્રમે ૧૫.૮ ટકા, ૨૧.૧ ટકા અને ૨૦.૩ ટકા હતી જે દર્શાવે છે કે, અદાલતી સુનાવણીના આંકડા ઓછા થયા છે પરંતુ અટકાયતોમાં ઘણો વધારો થયો છે. દોષિત ઠેરવવાની ટકાવારી પાંચ વર્ષમાં તબક્કાવાર ઘટી છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સ્થિતિ દલિતો અને આદિવાસીઓની પણ રહી છે. દલિતોમાં ૨૧.૩ ટકા દોષિત, ૨૦ ટકા સામે સુનાવણી ચાલી રહી હતી. પરંતુ ૨૦૧૪ અનુસાર દલિત અટકાયતીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેમાં ૩૮.૧ ટકા લોકોનો ઘટાડો થયો હતો. આદિવાસીઓમાં દોષિતોની સંખ્યા ૨૦૧૪માં ૧૧.૯ ટકા હતી. જ્યારે અંડરટ્રાયલ કેદીઓની સંખ્યા ૧૧.૨ ટકા હતી અને અટકાયતી કેદીઓની સંખ્યા ગત વર્ષની ૫.૮ ટકાની સરખામણીએ ૨૦૧૫માં ૫.૧ ટકા હતી.