(એજન્સી) તા.૧૧
ભારતમાં વાઘની ગણતરીએ નવો ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. વર્ષ ૨૦૧૮માં વાઘની ગણના થઈ હતી. ધ ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન દ્વારા ૧,૨૧,૩૩૭ ચોરસ કિલોમીટરમાં સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં ૨૬,૭૬૦ જગ્યાએ જુદા-જુદા લોકેશન પર કેમેરા લગાવવામાં આવ્યા. તેનાથી વન્ય પ્રાણીઓના ૩.૫ કરોડથી વધુ ફોટો લેવામાં આવ્યા. તેમાંથી ૭૬,૬૫૧ ફોટો વાઘના અને ૫૧,૭૭૭ ફોટો દીપડાના છે. વાઘ પર કરવામાં આવેલો આ સર્વે દુનિયાનો સૌથી મોટો સર્વે છે. વર્ષ ૨૦૧૮માં કરવામાં આવેલા સર્વેની માહિતી હવે જાહેર થઈ છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, દેશમાં ૨૯૬૭ વાઘ છે. ૨૦૦૬માં આ સંખ્યા ૧૪૧૧ હતી. લગભગ નવ વર્ષ પહેલાં પ્રધાનમંત્રીએ સેન્ટ પીટર્સબર્ગમાં વાઘની સંખ્યા બમણી કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું. સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં વાઘની આબાદીમાં ૧/૩ ભાગમાં વૃદ્ધિ થઈ છે. ૨૦૧૮-૧૯માં ૨૦ ભારતીય રાજ્યોમાં ૮૮,૯૮૫ કિમી ત્રણ જંગલોમાં વાઘની ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. વાઘો મોટા ભાગે મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળે છે. આ ત્રણ રાજ્યમાં ૧,૪૯૨ વાઘોનું ઘર છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે ટ્‌વીટ કરીને આ વિશે કહ્યું હતું કે, વન્યજીવન સર્વે માટે હકીકતમાં આ એક ઉત્તમ ક્ષણ અને આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારતે લક્ષ્યના ચારવર્ષ પહેલાં વાઘની વસ્તીને બમણી કરવાનો સંકલ્પપૂર્ણ કર્યો છે. જાવડેકરે મીડિયાને જણાવ્યું હતું કે વિશ્વમાં વાઘની કુલ વસતીમાં ભારતનો હિસ્સો ૭૦% છે.