(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
એક બાજુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. બીજી બાજુ ઠેર ઠેર પોતાની ગૃહસ્થી ઠેલા અને ખભે સાઈકલો પર લાદીને મજૂરો પરિવાર સાથે ધરભેગા થવા નીકળી પડ્યા છે. પરંતુ આવા સમયમાં હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યાં છે. જેમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતોમાં ૧૬ જેટલા પ્રવાસી શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે. અનેક લોકો ઘાયલ થયા છે. લોકડાઉનના કારણે પગપાળા ઘરે જઈ રહેલા પ્રવાસી મજૂરો સાથેની દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ઉ.પ્રદેશ,મ.પ્રદેશ અને બિહારમાં રોડ અકસ્માતમાં ૧૬ શ્રમિકોના મોત થયા છે. કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનથી દેશભરમાં પ્રવાસી મજૂરો ફસાઈ ગયા છે. રોજગારી છીનવાઈ ગયા બાદ હજારો મજૂરો તેમના વતન તરફ પલાયન કરી રહ્યા છે. શ્રમિકો પગપાળા જ ઘર તરફ ચાલી નીકળ્યા છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રમાં રેલવેના પાટા પર ૧૬ મજૂરો કચડાઈ ગયા હતા.

ઉત્તરપ્રદેશ પરિવહનની બસ નીચે છ પરપ્રાંતિય મજૂરો કચડાયા અને ચાર ઘાયલ

મુઝફ્ફરનગર, તા.૧૪
તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ખાતેથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. બુધવારે મોડી રાતના સમયે બનેલી આ દુર્ઘટનામાં રોડવેઝની એક બસે સહરાનપુર સ્ટેટ હાઈવે પર ૧૦ પ્રવાસી મજૂરોને કચડી નાખ્યા હતા. આ તમામ મજૂરો પગપાળા પંજાબથી બિહાર જઈ રહ્યા હતા અને ઘલૌલી ચેકપોસ્ટ પાસે બનેલી આ દુર્ઘટનામાં છ મજૂરોના મોત થયા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જરૂરી કાર્યવાહી બાદ આગ્રાના તાજ ડેપોની રોડવેઝની બસના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. દુર્ઘટનાનો ભોગ બનેલા મજૂરો બિહારના ગોપાલગંજના હોવાનું સામે આવ્યું છે અને મૃતદેહોને રાતના સમયે જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. મુઝફ્ફરનગર-સહરાનપુર સ્ટેટ હાઈવે-૫૯ પર રોહાના ટોલ પ્લાઝા પાસે થયેલા આ અકસ્માતમાં ચાર મજૂરો ગંભીર રીતે ઘવાયા હતા જે પૈકીના બેને મેરઠ રિફર કરવામાં આવ્યા હતા. અગાઉ મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં એક ટ્રક પલટી જવાના કારણે પાંચ મજૂરોના કરૂણ મોત થયા હતા અને તે સિવાય ૧૧ મજૂરો ઘાયલ થયા હતા.

મધ્યપ્રદેશના ગુનામાં ટ્રક અને બસ અથડાતાં આઠ પરપ્રાંતિય મજૂરોનાં મોત, ૫૫ ઘાયલ

ગુના, તા.૧૪
કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે પ્રવાસી મજૂરો સાથે દુર્ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. ઉત્તરપ્રદેશના મુઝફ્‌ફરનગરમાં બસ દુર્ઘટના બાદ હવે મધ્યપ્રદેશના ગુનામાં ભીષણ દુર્ઘટનામાં ૮ મજૂરોના મોત થયા છે અને ૫૦થી વધારે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. મજૂરો ટ્રકમાં સવાર થઈને મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ આવતા હતા ત્યારે દુર્ઘટના બની હતી. ટ્રકે બસને ટક્કર મારતા થયેલા અકસ્માતમાં ૮ લોકોના મોત થયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને તંત્રના ઓફિસરો પહોંચી ગયા હતા અને ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુના પોલીસના કહેવા મુજબ, બસ અને ટ્રકમાં યાત્રી સવાર હતા. આ તમામ લોકો લોકડાઉનના કારણે તેમના ઘરે જઈ રહ્યા હતા. મોડી રાતે બસ અને ટ્રકની ટક્કર થઈ હતી. જેમાં ૮ લોકોના મોત થયા હતા અને ૫૦થી વધારે ઘાયલ થયા હતા. ઘટના સ્થળે જ ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. હાલ તેની શોધખોળ ચાલુ છે.

બિહારના સમસ્તીપુરમાં બસ-ટ્રક વચ્ચે
ટક્કર થતાં બે મજૂરોનાં મોત,૧૨ ઘાયલ

સમસ્તીપુર, તા.૧૪
બિહારના સમસ્તીપુર જિલ્લાના ઉજિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકરપુર ચોક નજીક બસ અને ટ્રક વચ્ચે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બે કામદારોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ૧૨ થી વધુ ઘાયલ થયા છે. આ તમામ કામદારો મુઝફ્‌ફરપુરથી કટિહાર તરફ જઇ રહ્યા હતા. આ લોકો મુંબઇથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.ઈજાગ્રસ્તો પૈકી ચારની હાલત ગંભીર છે. પોલીસ સ્ટેશનના પ્રભારી શંભુનાથસિંહે ગુરુવારે જણાવ્યું હતું કે, “ઉજિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંદચૌરમાં શંકર ચોક પાસે એનએચ ૨૮ પર બસ અને ટ્રકની ટક્કરમાં બે લોકોના મોત નીપજ્યાં હતાં.” પ્રાપ્ત માહિતી અનુસાર, મુઝફ્‌ફરપુરથી કટિહાર તરફ બસ પરપ્રાંતિય મજૂરો સાથે જઈ રહી હતી, ત્યારે તે ચાંદચૌર નજીક સામે દિશામાં આવી રહેલી ટ્રક સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં બે મજૂરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ૧૨ થી વધુ મજૂરો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું હતું કે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ઘટના બાદ ટ્રકનો ચાલક વાહન પર ફરાર થઈ ગયો હતો.