(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
સમગ્ર દેશમાં કોરોના વાયરસે માઝા મૂકી હોય તેમ દિવસેને દિવસે તેમાં વધારો થઇ રહ્યો હોય તેમ ગઇકાલે રવિવારે સૌથી વધુ ૨૮ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા.તેની સાથે કુલ આંકડો ૮.૭૮ લાખ પર પહોંચી ગયો છે અને ગણતરીના કલાકોમાં આ આંકડો નવ લાખ પર પહોંચી શકે તેમ છે. છેલ્લાં ૨૪ કલાકના આંકડા વેબસાઇટ જાહેર કરાયા મુજબ ૨૮,૭૦૧ કેસો નવા નોંધાયા હતા અને આ જ ગાળામાં વધુ ૫૦૦ લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭,૮૨૭ નવા કેસ બહાર આવ્યાં હતા અને મોતની સંખ્યા ૧૭૩ થઈ છે. કેસો વધતાં કેટલાક રાજ્યોમાં સંક્રમણને રોકવા આંશિક લોકડાઉન લાદવાની ફરજ પડી છે. ૪,૨૪૪ કેસની સાથે બીજા નંબર પર તમિલનાડુ છે. જ્યાં સૌથી વધુ ૩,૬૧૭ દર્દી સાજા પણ થયા છે.
દેશમાં અનલોક-૨માં અપાયેલી વધારે છૂટછાટના પગલે કોરોના વાયરસનું સંક્રમણ દાવાનળની જેમ ઝડપથી વધી રહ્યું છે. કુલ કેસોની સંખ્યા આઠ લાખ ૭૮ હજાર ૨૫૪ થઈ ગઈ છે. જો કે, ૫.૫ લાખથી વધુ દર્દીઓ અત્યાર સુધીમાં સાજા પણ થઈ ચૂક્યા છે. ત્રણ લાખ એક હજારથી વધુ લોકોની હોસ્પિટલ, હોમ આઈસોલેશન કે કોવિડ કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૩.૦૧ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૮૫૦ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૫,૫૩,૪૭૧ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૩,૧૭૪ સુધી પહોંચી ગઈ છે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨,૫૪,૪૨૭ કેસ નોંધાયા છે જ્યારે ૧૦,૨૮૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૮૪૭૦ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૯૬૬ લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૧૨૪૯૪ કેસ નોંધાયા છે જ્યારે ૩૩૭૧ લોકોએ જીવ ગુમાવ્યા છે.મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૮૨૭ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે અને મોતની સંખ્યા ૧૭૩ થઈ છે. મુંબઈમાં કોરોનાના ૧૨૬૩ કેસ પ્રકાશમાં આવ્યા છે, ૧૪૪૧ સાજા થયા છે અને ૪૪ના મોત થયા છે.