(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
દેશમાં કોરોના સંક્રમણ મામલે ફરી એકવાર સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગુરૂવારે ફરી એકવાર એક દિવસના કોરોના સંક્રમણના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે જ્યારે મોતના મામલે પણ દેશમાં એક દિવસમાં સૌથી વધુ મોત થયા છે. દેશમાં ગુરૂવારે કોરોનાના ૯૫,૭૩૫ નવા કેસ સામે આવ્યા હતા. આ કેસોની સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૪૪.૬૫ લાખને પાર જતી રહી છે જ્યારે કોરોનાથી એક દિવસમાં ૧,૧૭૨ લોકોનાં મોત થયા છે જે એક દિવસનો સૌથી મોટો આંકડો છે. જોકે, રાહતની વાત એ છે કે, આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આંકડાઓ અનુસાર અત્યારસુધી આ બીમારીથી દેશમાં ૩૪.૭૧ લાખ લોકો સાજા થઇ ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જારી કરાયેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧,૧૭૨ લોકોનાં મોત થવાથી કુલ મૃત્યુઆંક વધીને ૭૫ હજારને પાર જતો રહ્યો છે. દેસમાં સંક્રમણના કેસો વધીને ૪૪,૬૫,૮૬૪ થયા છે જેમાં ૯,૧૯,૦૧૮ લોકોની સારવાર ચાલી રહી છે અને ૩૪,૭૧,૭૮૪ લોકો સાજા થઇને પોતાના ઘરે જતા રહ્યા છે. સંક્રમણના કુલ કેસોમાં કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને ૭૭.૭૪ ટકા થઇ ગયો છે જ્યારે મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે અને તે ઘટીને ૧.૬૮ ટકા થયો છે. બીજી તરફ ૨૦.૫૮ ટકા દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાથી મૃત્યુદર વૈશ્વિક સરેરાશ કરતા પણ ઓછો ચાલી રહ્યો છે. આઇસીએમઆર તરફથી જારી કરાયેલા આંકડા અનુસાર દેશભરમાં ૯ સપ્ટેમ્બરથી અત્યારસુધી ૫.૨૯ કરોડ કોરોના ટેસ્ટ કરાયા છે જેમાં બુધવારે એક દિવસમાં ૧૧.૨૯ લાખ ટેસ્ટ કરાયા છે. આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ૧,૧૭૨ લોકોનાં મોતમાં સૌથી વધુ ૩૮૦ લોકો મહારાષ્ટ્રના છે. આ ઉપરાંત કર્ણાટકના ૧૨૮, આંધ્રપ્રદેશના ૭૪, પંજાબના ૭૧, છત્તીસગઢના ૭૦, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશના ૬૫-૬૫ લોકોનાં મોત થયા હતા. દેશમાં કુલ ૭૫ હજારથી વધુ મોતોમાં મહારાષ્ટ્રમાં જ ૨૭,૭૮૭ લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં ૮૦૯૦ અને કર્ણાટકમાં ૬૮૦૮ મોત થયા છે.