(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
અનલોક-૧ અનલકી સાબિત થઇ રહ્યો હોય તેમ ૧ જૂનથી લોકડાઉનમાં અપાયેલી સવિશેષ છૂટછાટોને કારણે અથવા તો ભારત કોરોનાના ખતરનાક ત્રીજા તબક્કા કોમ્યુનિટી ટ્રાનમિશનમાંથી પસાર થઇ રહ્યું હોય તેમ આજે સવારે ગુરૂવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં આજદિન સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૯,૩૦૪ કેસો કોરોના પોઝીટીવના બહાર આવ્યાં છે તો આ જ ૨૪ કલાકમાં વધુ ૨૬૦ લોકોનાં મોત થયા છે. હજુ તો ૮ જૂનથી શોપિંગ મોલ-જીમ અને તમામ ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણયથી કોરોનાના કેસોમાં વધારો થવાની સંભાવના જોવામાં આવી રહી છે. છેલ્લાં ૬ દિવસથી સતત ૮ હજારની ઉપર કેસો બહાર આવી રહ્યાં હતા. પરંતુ ગઇકાલ સુધીમાં સૌથી વધારે કેસો બહાર આવ્યાં છે ત્યારે લોકડાઉન કારગત નિવડ્યો કે કેમ તેની પણ ચર્ચા થઇ રહી છે. આટલી મોટી સંખ્યામાં કેસો રોજેરોજ બહાર આવવા તે એ બાબતનો ભયજનક સિગ્નલ હોઇ શકે કે શું ભારતમાં ખરેખર સમુદાય સંક્રમણનો દોર શરૂ થયો છે કેમ.
સૂત્રોએ કહ્યું કે કોરોના વાઇરસની ચેઇન એટલે કે સાંકળ તોડવા માટે અને લોકોને કોરોનાથી બચાવવા માટે ભારતમાં ૬૦ દિવસ સુધી તબક્કાવાર ૪ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં કેસો વધવાને બદલે જાણે કે ધીમે ધીમે વધી રહ્યાં હોય તેમ હવે આંકડો ૯ હજારની ઉપર સુધી પહોંચી ગયો છે. મંગળવારે ૮ હજારની ઉપર અને ગઇકાલે બુધવારે ૯ હજારની ઉપર કેસો બહાર આવી રહ્યાં છે. અલબત્ત, સત્તાવાળાએએ આ કેસો વધવા માટે કોમ્યુનિટી સંક્રમણનો ઇન્કાર કર્યો છે. દેશમાં ૨૫ માર્ચથી ૩૧ મે સુધી બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખને પાર થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨,૧૬,૯૧૯ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯,૩૦૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે આ જ છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૦ લોકોના કોરોનાના કારણે મોત થયા છે.
જોકે, ભારતમાં કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦૪ લોકો સાજા થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧,૦૪,૧૦૭ સુધી પહોંચી ગયો છે. અહેવાલ પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૦૭૫ સુધી પહોંચી ગઈ છે. તે સાથે જ ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૦૬૭૩૭ સક્રિય કેસ છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને માયાનગરી મુંબઇમાંથી બહાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૭૪૮૬૦ કેસ નોંધાયા છે જ્યારે ૨૫૮૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ચીન અને ભારત સહિત અનેક એશિયન દેશો કોરોના
રોગચાળામાં માનવ અધિકારોનો ભંગ કરે છે : સંયુક્ત રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્રના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ચીન અને ભારત સહિત કેટલાય એશિયન દેશો કોરોના વાયરસના નામ પર લોકો પાસેથી અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવી રહ્યા છે. કડક પ્રતિબંધ લગાવી રહ્યા છે. તેમની જબરદસ્તીથી ધરપકડ કરવામાં આવી રહી છે. આ ખૂબ જ અયોગ્ય પગલાં છે. આ માનવાધિકારો વિરુદ્ધ છે. સરકારે આ તરફ ધ્યાન આપવું જોઇએ. યૂએન રાઇટ્‌સ પ્રમુખ મિશેલ બેશલેટે એક નિવેદન જાહેર કરતા કહ્યુ કે એશિયન દેશોમાં એવા લોકો સામે કઠોર નિર્ણય લેવાઇ રહ્યા છે જે પોતાની સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. જેના કારણે તેમની ધરપકડ થઇ રહી છે. જ્યારે, પીડિત લોકો માત્ર માહિતી અને સૂચનાઓ શેર કરતા હોય છે. મિશેલે કહ્યું કે બાંગ્લાદેશ, કમ્બોડિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા, નેપાળ, મ્યાનમાર, ફિલિપાઇન્સ, શ્રીલંકા, થાઇલેન્ડ અને વિયતનામમાં સોશિયલ મીડિયા દ્વારા સમાચાર કે માહિતી શેર કરતા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. તેમના પર આરોપ લગાવવામાં આવે છે કે તેઓ પ્રેસ અને સોશિયલ મીડિયા મારફતે ખોટા સમાચાર અને અફવાઓ ફેલાવી રહ્યા છે. યૂએન હાઇ કમિશ્નર મિશેલે કહ્યુ કે તે જરૂરી છે કે ખોટી માહિતીને ફેલાતા રોકવી જોઇએ જેથી સામાન્ય જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાનું ધ્યાન રાખી શકાય. પરંતુ તેના નામે લઘુમતિઓ વિરુદ્ધ નફરત ફેલાવવી કે કાર્યવાહી કરવી તે યોગ્ય નથી. મિશેન બેશલેટે કહ્યુ કે સરકાર પાસે કાર્યવાહી કરવાનો કાયદાકીય અધિકાર છે કે જેથી ખોટી માહિતી અને અફવાઓ ફેલાઇ ન શકે પરંતુ તેમણે સમાજના દરેક લોકોની સંવેદનશીલતા અને કાર્યવાહીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને પગલાં લેવા પડશે. મિશેલ બેશલેટે કહ્યુ કે કોરોના વાયરસની મહામારીના નામ પર માહિતીના માત્ર આદાન-પ્રદાન, પ્રવાહ અને સ્વતંત્ર અભિવ્યક્તિ પર પ્રતિબંધ લગાવી શકાય નહીં.

ભારતમાં કોરોના વાયરસ નવેમ્બર-ડિસેમ્બરમાં જ પ્રવેશી ગયો હતો : વૈજ્ઞાનિકો

દેશમાં કોવિડ-૧૯નો સૌથી પહેલો કન્ફર્મ કેસ કેરળમાં ૩૦મી જાન્યુઆરીએ નોંધાયો હતો. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોનો દાવો છે કે ભારતમાં કોરોના વાયરસ નવેમ્બર ૨૦૧૯થી જ ફેલાઈ રહ્યો હતો. વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય તો કોરોના વાયરસના ઈન્ડિયન સ્ટ્રેનનો મોસ્ટ રિસેન્ટ કોમન એન્સેસ્ટર નવેમ્બર ૨૦૧૯થી જ ફેલાઈ રહ્યો છે. દેશની ટોચની રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ટોપ વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, વુહાનના નોવેલ કોરોના વાયરસ સ્ટ્રેનના પહેલાના રૂપના સ્ટ્રેન ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી પ્રસાર થઈ રહ્યા હતા. ટાઈપ ટુ મોસ્ટ રિસેન્ટ કોમન અન્સેસ્ટર નામની વૈજ્ઞાનિક ટેકનિકનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકોએ આ અનુમાન લગાવ્યું કે હાલમાં તેલંગાણા અને અન્ય બીજા રાજ્યોમાં કોરોના વાયરસનો જે સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે તે ૨૬ નવેમ્બર અને ૨૫ ડિસેમ્બર વચ્ચે પેદા થયો હતો. તેની એવરેજ તારીખ ૧૧ ડિસેમ્બર છે. સવાલ ઉઠે છે કે શું ભારતમાં ૩૦ જાન્યુઆરી પહેલા જ ચીનથી આવનારા પેસેન્જરો દ્વારા કોરોના વાયરસ પહોંચી ગયો હતો? તેનો જવાબ સ્પષ્ટ નથી કારણ કે તે સમયે દેશમાં મોટી સંખ્યામાં કોવિડ-૧૯ના ટેસ્ટ નહોતા થઈ રહ્યા. હૈદરાદબાદ સ્થિત સેન્ટર ફોર સેલુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજીએ કોરોના વાયરસના ભારતીય સ્ટ્રેનના એમઆરસીએની ટાઈમિંગનું અનુમાન લગાવવા સાથે નવા સ્ટ્રેન અથવા ક્લેડની પણ શોધ કરી છે, જે હાલના સ્ટ્રેનથી અલગ છે. વૈજ્ઞાનિકોએ ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનને ક્લેડ I/A3i નામ આપ્યું છે. કેરળમાં મળેલા ભારતના પહેલા કોરોના કેસના સ્ટ્રેન વુહાન સાથે જોડાયેલા હતા, પરંતુ હૈદરાબાદમાં કોરોનાના જે નવા સ્ટ્રેનની શોધ થઈ તે ચીન નહીં પરંતુ દક્ષિણ-પૂર્વ અશિયાના કોઈ દેશના છે.