અમદાવાદ,તા. ૧૯
ગેરકાયદેસર દેશી બનાવટી પિસ્તોલ સાથે એક ઇસમની એસઓજી ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા શખ્સની પુછપરછનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. પુછપરછના આધારે કેટલીક નવી વિગતો સપાટી પર આવે તેવી શક્યતા છે. મળેલી માહિતી મુજબ જુદા જુદા ગુનાઓને શોધી કાઢવા માટે એસઓજી ક્રાઈમ બ્રાંચ ટુકડી હંમેશા સક્રિય રહે છે. બાતમી મળ્યા બાદ એસઓજી ક્રાઈમ બ્રાંચની ટુકડી ગોઠવાઈ ગયી હતી. દરમિયાન અમદાવાદ શહેર આરટીઓ સર્કલથી શાહીબાગ તરફ જતાં સુભાષબ્રિજના છેડે બાજનજર ગોઠવવામાં આવી હતી. આ ગાળા દરમિયાન ૨૪ વર્ષીય મોહમ્મદ અબ્દુલ ફૈઝલની અટકાયત કરવામાં આવી હતી. આ શખ્સ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું છે. અંગઝડતી કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આ ઉપરાંત ૫૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પુછપરછ દરમિયાન આ શખ્સે માહિતી આપતા કહ્યું હતું કે, બાડમેરાના શિવાણા તાલુકાના શિવાના ગામના પોતાના મિત્ર ઇન્સાફ ખાન પાસેથી પિસ્તોલ લીધી હતી અને અમદાવાદમાં વેચવા માટે આવ્યો હતો. તેની સામે હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હાલમાં જુદા જુદા પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે ક્રાઈમ બ્રાંચની ટુકડી વધારે સક્રિય થઇ ગઇ છે.