અમદાવાદ,તા.૬
કેન્દ્રીય મજુર સંગઠનો અને રાષ્ટ્રીય ફેડરેશનો દ્વારા આયોજિત દેશવ્યાપી હડતાળના પગલે તા.૮મી જાન્યુઆરીના રોજ રાજયભરમાં ધરણા વિરોધ પ્રદર્શન યોજાશે અને વિવિધ જિલ્લાના કલેકટરોને આવેદન અપાશે. ત્યારે અમદાવાદમાં ગાંધી આશ્રમથી રેલીનો પ્રારંભ કરવામાં આવશે બાદમાં અમદાવાદ કલેકટરને ૧ર માગણીઓને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવશે. ભાજપની નરેન્દ્ર મોદી સરકારની જનતાને પાયમાલ કરનારી અને મજુર વિરોધી નીતિઓના વિરોધમાં અને કામદારો માટે ૧ર મુદ્દાની માગણીઓ જેવી કે જીવન જરૂરિયાતની ચીજોનો ભાવ વધારો નાથવા તાકીદે પગલા ભરવા, જાહેર વિતરણ વ્યવસ્થાને કારગર રીતે લાગુ કરવા રોજગારીના નિર્માણમાં નક્કર પગલા દ્વારા બેરોજગારીને નિયંત્રણ કરવા, કોઈ પણ જાતના અપવાદ કે છુટછાટ વગર શ્રમિક કાયદાઓનો કડક અમલ કરાવવા અને મજુર કાયદાઓને ભંગ કરવા કે કરાવનાર સામે કડક દંડનાત્મક પગલા લેવા તમામ કામદારોને સર્વમાન્ય સામાજિક સુરક્ષા પૂરી પાડવી ઈન્ડેકસેશનની જોગવાઈઓ સાથે માસિક રૂા.ર૧,૦૦૦થી ઓછું ન હોય તેટલુ લઘુત્તમ વેતન, દેશના કામદારોને રૂા.૩૦૦૦ હજારથી ઓછું ન હોય તેટલુ પેન્શન આપવું., ગ્રેજયુતીની રકમ વધારવી અરજી રજૂ કર્યાની ૪પ દિવસમાં શ્રમિક સંગઠનોની નોંધણી ફરજિયાત બનાવવી સહિતની વિવિધ માગણીઓ કરવામાં આવી છે. જેને પગલે ૮મી જાન્યુઆરી ર૦ર૦ની હડતાળની કરેલી હાકલના અનુસંધાનમાં ગુજરાતભરમાં કેન્દ્રીય મજુર સંગઠનો અને રાષ્ટ્રીય ડેડરેશનોના કામદાર, કર્મચારીઓ ૮મી જાન્યુઆરી ર૦ર૦ બુધવારે અમદાવાદ, વડોદરા, સુરત, હિંમતનગર, રાજકોટ, ભાવનગર ગાંધીધામ સહિત રાજયભરમાં ધારણા વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજાશે અને જિલ્લા કલેકટરોને વડાપ્રધાનના નામે આવેદન પત્રો અપાશે, અમદાવાદમાં કામદાર અને કર્મચારીઓ પોતાની નોકરીમાંથી હડતાળ પાડી સવારે ૧૧-૦૦ વાગે ગાંધી આશ્રમ સામેના ફુટપાથ ઉપર ભેગા થશે અને ઈન્ટુકના રાષ્ટ્રીય મંત્રી અશોક પંજાબી, રાજય મહામંત્રી મણીભાઈ સોલંકી આઈટુક પ્રદેશ ઉપપ્રમુખ રામસાગરસિંહ પરિહાર મંત્રી રમેશ પરમાર સીટુના રાજય પ્રમુખ સતિશ પરમાર, મહામંત્રી અરૂણ મહેતા એચએમએસના ઉપપ્રમુખ જયંતી પંચાલ સહિતની આગેવાનીમાં સરઘસ નીકળશે જે કલેકટર કચેરી પહોંચી ૧ર મુદ્દાઓની માગણીવાળું આવેદનપત્ર અમદાવાદના કલેકટરને આપવામાં આવશે.