(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લગભગ દોઢ કલાક સુધી રઝળતો રહ્યો હોવાનું સામે આવતાં વિવાદ સર્જાયો હતો. શુક્રવારે રાત્રે મૃતદેહને સિવિલમાં લવાયો હતો. પીએમ રૂમની ચાવી ન હોવાથી પરિવાર ધક્કે ચઢ્યું હતું. બાદમાં પીએમ રૂમનું તાળું તોડીને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તબીબોએ સહકાર નહોતો આપ્યો. નવી સિવિલ હોસ્પિટલ ખાતે શુક્રવારે રાત્રે ઉધના વિનોબાનગરમાં રહેતા ૫૦ વર્ષીય રાવ સાહેબ રાવ પાટીલનો મૃતદેહ પીએમ માટે લાવવામાં આવ્યો હતો. માઈગ્રેન અને લિવરની બીમારીથી પીડાતા રાહ સાહેબના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનો હતો. જો કે, પીએમ રૂમની ચાવીને લઈને પરિવારને ધક્કે ચઢાવવામાં આવ્યાના આક્ષેપ સાથે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, દોઢેક કલાકના અંતે સર્વન્ટે પથ્થર મારીને પોસ્ટમોર્ટમ રૂમનું તાળું તોડ્યું હતું. જેનો પરિવારે વીડિયો બનાવ્યો હતો. સાથે જ મેડિકલ ઓફિસર અને સિવિલ તંત્રએ સહકાર ન આપ્યાનો આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર ઘટના પાછળ નવી સિવિલ તંત્ર જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ આ મામલે સિવિલ તંત્રના અધિકારીઓ તપાસ કરાવી યોગ્ય પગલાં લેશે, તેવી આશંકા જણાઈ રહી છે. શનિવારે સવારે મૃતક રાવ સાહેબનું પીએમ કરવામાં આવ્યું હતું.