(સંવાદદાતા દ્વારા) લુણાવાડા,તા.ર૮
લુણાવાડા તાલુકાના ચાંપેલી ગામની સરદાર પટેલ ઉ.બુ. માધ્યમિક શાળામાં વીજ તંત્ર દ્વારા દોઢ માસ અગાઉ કપાયેલું વીજ કનેક્શન પુનઃ કાર્યરત કરવા અંગે સવાર-નવાર રજૂઆતો પછી પણ કાર્યરત ન કરાતાં શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરીએ ધરણાં કરવાની ચિમકી ઉચ્ચારાઈ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના ચાંપેલી ગામની સરદાર પોલ ઉ.બુ. માધ્યમિક શાળાના આચાર્ય દ્વારા ગામમાં લોવોલ્ટેજ અને સ્થાનિક કર્મચારીઓના પ્રશ્ને તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. આ કારણે વીજ તંત્ર દ્વારા ફોલ્ટ બતાવી વીજ કનેક્શન દોઢ માસ અગાઉ કાપી નાખવામાં આવ્યું હતું. જેથી શાળામાં અંધારાપટ છવાયો હતો. વીજ આધારિત તમામ કાર્યક્રમો ઠપ થઈ જતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. વીજ કનેક્શન પુનઃ બહાલ કરવા વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં શાળાના શિક્ષણ પર માઠી અસર થતાં શાળા દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ સાથે કલેક્ટર કચેરી અને વીજ તંત્રની કચેરીએ ધરણા કરશે તેવી ચિમકી ઉચ્ચારાઈ છે.