(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
ભારતીય રેલ દ્વારા દોઢ લાખ એન્જિન પાયલોટ્‌સને વર્ચ્યુઅલ રિઆલીટી સિમ્યુલેટર દ્વારા એન્જિન ડ્રાઇવિંગની તાલીમ આપવાનો નિર્ણય લેવાયો છે. સુરત સહિત દેશના ૪૭ કેન્દ્રો પર તાલીમ આપવામાં આવશે. આ માટે રેલવે ૪૦ સિમ્યુલેટરની ખરીદી કરશે અને કુલ ૩પ૦ કરોડનો ખર્ચ કરશે.
રેલવેના આધારભૂત સૂત્રોએ કહ્યું હતું કે અત્યાર સુધી એન્જિન પાયલોટનું શિક્ષણ લેતા ટ્રેઇટની પાયલોટ્‌સને માત્ર થિયરી જ્ઞાન જ મળતું હતું અને જે બાદ તેઓને સિનિયર પાટલોટ્‌સ સાથે એન્જિનમાં તાલીમ મળતી હતી. અમેરિકા અને સ્પેનમાં થિયરી સાથે વર્ચ્યુઅલ રિઆલીટી સિમ્યુલેટર પર તાલીમ આપવામાં આવે છે. આ માટેના પાયલોટ પ્રોજેક્ટ વડોદરા ખાતે જ શરુ કરવામાં આવ્યો હતો હવે તેનો વિસ્તાર કરીને દેશભરમાં ૪૭ કેન્દ્રો પર અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ માટે ભવિષ્યમાં તૈયાર થનાર દોઢ લાખથી વધુ એન્જિન પાયલોટને આ તાલીમ આપવામાં આવશે. દેશમાં ૬૬૦૦૦ કિ.મી.માં ફેલાયેલા રેલ નેટવર્ક પર રોજના ૧ર,૦૦૦ એન્જિન દિવસ રાત દોડી રહ્યાં છે, અને રેલવેમાં હાલમાં ૮૬૦૦૦ એન્જિન પાયલોટ્‌સ ફરજ બજાવી રહ્યાં છે.
વર્ચ્યુઅલ રિઆલીટી સિમ્યુલેટર એરલાઇન્સના પાયલોટ્‌સથી લઇને કાર ડ્રાઇવિંગ શિખવવામાં પણ વપરાય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ અમેરિકા, કેનેડા, જાપાન અને ચીનમાં થાય છે. ભારતમાં ઘણા સ્થળે કાર ડ્રાઇવિંગ સ્કૂલ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. પરંતુ રેલવે દ્વારા હાઇ ટેક સિમ્યુલેટર વસાવવામાં આવશે, જે અદલ રેલ એન્જિનનો જ અનુભવ કરાવશે. વાસ્તવિક એન્જિનમાં ટ્રેક પર આવતા વળાંક, બ્રિજ અને ટ્રેક બદલતી વખતે જે રીતે આંચકાનો અનુભવ થાય છે. તેવો જ અનુભવ સિમ્યુલેટરમાં પણ થશે. સિમ્યુલેટર દ્વારા પાયલોટેસ્ને સિગ્નલ સિસ્ટમ, વળાંક વખતે એન્જિનનો કંટ્રોલ કેમ કરવો, બ્રિજ પર કેટલી સ્પીડથી ટ્રેન દોડાવવી સહિતની વિવિધ ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.