(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
ડાન્સ કરતાં-કરતાં એક બીજાને ધક્કા-મુક્કી દરમિયાન યુવાનની હત્યા કરી દેનાર આરોપીને હાઈકોર્ટે રાહત આપતા દોઢ વર્ષ બાદ જામીન પર છુટકારો થયો છે. ટ્રાયલ ચાલવામાં વિલંબ થતાં હાઈકોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.
વિગતો અનુસાર ગત ૨૩મી મે ૨૦૧૮ના રોજ ઉધનાના હરિનગર ખાતે ૧૫ વર્ષના કિશોરની બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત હતા. આ સમયે ડીજેના તાલ પર ઝુમતી વખતે એક-બીજા સાથે ધક્કાં મુક્કી બાદ મામલાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને તીલક મનોહર માનકર નામના યુવાનની કેક કાપવાના ચપ્પુ વડે જ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના બે દિવસ બાદ જ પકડાઈ ગયેલા હેમંત દેવેન્દ્ર કરંકે (૩૦૩, શ્રી ઉમિયા રેસીડન્સી, પાંડેસરા) છેલ્લાં દોઢ વર્ષથી જેલવાસ ભોગવી રહ્યો છે. જામીન પર મુક્ત થવા માટેના તમામ માર્ગો અપનાવ્યા હોવા છતાં હેમંત સફળ થયો ન હતો. દરમિયાન ેએડવોકેટ અશ્વીન જોગડિયા મારફતે હાઈકોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી જેને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખતા આખરે દોઢ વર્ષને અંતે આરોપીનો જામીન પર છુટકારો થયો છે.