(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
સરથાણા તક્ષશીલા આર્કેડમાં ૨૪મી મેના રોજ સાંજે લાગેલી આગમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ સુરત સહિત દેશભરના લોકો હચમચી ઉઠ્યા છે. આ અગ્નિકાંડમાં જવાબદાર તમામ લોકોને સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે. મંગળવારે વંચિત બહુજન અઘાડી સમાજ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ગેરકાયદેસર બંધાયેલા ડોમમાં ફાયર સેફટીના અભાવને કારણે જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં તમામને સજા થવી જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સીડી કે ક્રેઈન મળી જાય પણ બાળકોના જીવ બચાવવા ૩૦ ફૂટની સિડી નહીં મળે તે ખરેખર દેશ માટે દુર્ભાગ્ય છે. સુરત મહાનગરપાલિકા અધિકારી, પદાધિકારીઓ અને શાસક પક્ષ દ્વારા આંખ આડા કાન કરી શહેરમાં બેફામ ગેરકાયદેસર બાંધકામોનો છૂટો દોર આપી દીધા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ અગ્નિકાંડમાં જે ઘટના બની છે તેમાં તમામ અધિકારી, પદાધિકારીઓ સહિતના તમામ લોકો સામે નિષ્પક્ષ તપાસ થાય અને બાળકોને ન્યાય મળે તેવી રજૂઆતો કરવામાં આવી છે અને મૃતકોને ન્યાય નહીં મળે તો વંચિત બહુજન અઘાડી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.