(એજન્સી)નવી દિલ્હી,તા.૧૧
સુપ્રીમ કોર્ટે ગુરુવારે પંજાબના એક નેતા વિરુદ્ધ ૧૯૮૩માં નોંધાયેલા ફોજદારી કેસમાં ૩૬ વર્ષ પછી નીચલી અદાલતની કાયદેસરની કાર્યવાહી અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે સુનાવણી ઝડપી કરવી એ ફરિયાદ પક્ષની ફરજ છે. વર્તમાન અને પૂર્વ સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધ બાકી રહેલા ફોજદારી કેસો અંગે ટોચની કોર્ટે તમામ ઉચ્ચ અદાલતોથી વધુ માહિતી માંગી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે હવે હાઈકોર્ટે ૧૨ સપ્ટેમ્બર સુધી નેતાઓ વિરુદ્ધ પડતર કેસોની વિગતો ઈ-મેલ દ્વારા આપવાની રહેશે જે કેસો ભ્રષ્ટાચાર વિરોધી કાયદો, મની લોન્ડરિંગ કાયદો અને બ્લેક મની કાયદા હેઠળ પડતર હોય. ખંડપીઠ વર્તમાન અને પૂર્વ સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધ પડતર કેસોની તપાસ કરશે અને આ કેસોની ઝડપી સુનાવણી અંગે ૧૬ સપ્ટેમ્બરે હાઈકોર્ટોના મુખ્ય ન્યાયાધીશોને જરૂરી સૂચના આપશે. વરિષ્ઠ વકીલ વિજય હંસરીયાએ બેંચને હકીકતોથી માહિતગાર કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં નેતાઓ વિરુદ્ધ ઘણા ગુનાહિત કેસ દાયકાઓથી પડતર છે. તેમણે પંજાબમાં એક કેસનો ઉલ્લેખ કર્યો. એડ્વોકેટ સ્નેહા કાલિતાની સહાયથી હંસરીયાએ તૈયાર કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ૧૯૮૩માં પંજાબમાં એક ગુનો થયો હતો, જેના માટે આજીવન કેદની સજા થઈ શકે છે, પરંતુ આ કેસમાં ૩૬ વર્ષ પછી ૨૦૧૯માં કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી છે. નારાજગી વ્યક્ત કરતાં ખંડપીઠે કહ્યું, ‘આ આશ્ચર્યજનક છે. આ ૧૯૮૩નો કેસ હજી પણ પંજાબમાં પડતર છે ? આ સાથે, બેંચે રાજ્યના એડવોકેટ પાસેથી જવાબ માંગ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ માહિતી રાજ્યના ઉચ્ચ અદાલતોના અન્ય એડવોકેટ પાસેથી મેળવી શકાય છે, તો બેંચે કહ્યું, “તમે સરકારના વકીલ છો, તમારે કહેવું પડશે કે આ કેસ વર્ષ ૧૯૮૩થી કેમ પડતર છે ?” શું તમે ઝડપી ટ્રાયલ ચલાવવા માટે જવાબદાર નથી ?’’ આ સુધારેલી અરજીમાં જણાવાયું છે કે, કેન્દ્રને જાહેર પ્રતિનિધિઓ અને લોક સેવકોને લગતી બાબતો માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવા અને એક વર્ષમાં તેમનો નિર્ણય લેવા અને બંધારણની કામગીરીની સમીક્ષા કરવા નિર્દેશ આપવો જોઇએ. કમિશન દ્વારા સૂચિત ચૂંટણી સુધારણા, કાયદા પંચના ૨૪૪મા અને ૨૫૫મા અહેવાલો અને ચૂંટણી પંચના સૂચનોનો અમલ થવો જોઈએ. નવી પિટિશનમાં કેન્દ્રને નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈ હેઠળ ચૂંટણી લડવામાં સ્પષ્ટ રીતે અસમર્થ હોય તેવા લોકોને ગેરલાયક ઠેરવવા યોગ્ય પગલાં ભરે, રાજકીય પક્ષો રચવા અથવા તેમના હોદ્દેદારો બનવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવે. હંસારિયાએ પોતાના સોગંદનામામાં રાજ્યોના અનુસાર કેસની સૂચિ પણ રજૂ કરી છે જેમાં ઉચ્ચ અદાલતોના મુલતવી રાખવાના હુકમોને કારણે કેસની સુનાવણી બંધ કરી દેવામાં આવી છે.
Recent Comments