(એજન્સી) પટના, તા. ૨૪
બિહારના મુખ્યમંત્રી અને એનડીએના મુખ્યમંત્રી ઉમેદવાર નીતિશ કુમારે એક ચૂંટણી સભામાં ફરીવાર પોતાનો પિત્તો ગુમાવ્યો છે અને આરજેડીના નેતા તેજસ્વી યાદવને પૂછ્યું હતું કે, તમારા પિતા અને માતાને પૂછો કે તેમના શાસન દરમિયાન એક પણ શાળા બંધાવી છે કે નહીં. નીતિશ કુમાર ચોથી વખત મુખ્યમંત્રી બનવા માટે મતો માગી રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પોતાની જરેલીઓમાં વિરોધનો સામનો કરતા લોકો સામે ફરીવાર જાહેરમાં બળાપો કાઢ્યો છે. બિહારને બેગુસરાયમાં એક સભાને સંબોધતા નીતિશે કહ્યું કે, જ્યારે તેમને શાસન કરવાની તક મળી ત્યારે તેમણે શું કર્યું ? શું તેમણે એક પણ શાળા બાંધી છે ? જો તમે ભણવા માગતો હોય તો તમારા પિતા અને માતાને પૂછો કે, ત્યારે કોઇ શાળા હતી. કોઇપણ સ્થળે કોઇ શાળા બંધાવી હતી ? શું તેમણે કોઇ કોલેજ બંધાવી છે ? તેમનો પૂછજો. તેમંને શાસન કરવાની તક મળી ત્યારે પોતાના જ હિતો સાધ્યા છે. એક પત્રકારે બેગુસરાયમાંથી નીતિશની સભાનો વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ તેજસ્વી યાદવને તેમના પિતા અને માતાના શાસનમાં કોઇ કામ થયું હોત તો યાદ કરે તેવી સલાહ આપતા આક્રોશિત થયા હતા. આ દરમિયાન એક યૂઝરે લખ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે નીતિશે અસભ્ય શબ્દો ઉચ્ચાર્યા હોય અને ગુસ્સે થવાથી તેઓ મુશ્કેલીમાં છે તે દેખાઇ આવે છે. એક અન્ય યૂઝરે લખ્યું કે, જો લાલુ અને રાબડી દેવીએ ૧૫ વર્ષમાં કાંઇ કર્યું નથી તો તમે શા માટે ૨૦૧૫માં તમે શા માટે તમારા ગઠબંધન ભાગીદારો સાથે મળીને ચૂંટણી લડ્યા હતા ? નીતિશ કુમાર ૨૦૧૫માં આરજેડી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, એક વર્ષમાં જ તેઓ ગઠબંધન છોડીને ભાજપની સાથે સરકાર બનાવી લીધી હતી. આ પહેલા પણ તેમની સભામાં લાલુ યાદવ જીંદાબાદના નારા લાગ્યા હતા ત્યારે તેમણે પિત્તો ગુમાવ્યો હતો. હવે સતત રેલીઓમાં ફજેતી થવાથી નીતિશ જાહેરમાં આક્રોશ ઠાલવી રહ્યા છે. એવું લાગે છે કે, ૩૧ વર્ષના તેજસ્વી યાદવ ૬૯ વર્ષના અનુભવી નીતિશને ચૂંટણીમાં હંફાવી રહ્યા છે તેથી જ નીતિશ વારંવાર અંકુશ ગુમાવી રહ્યા છે. તેજસ્વી યાદવ દ્વારા ચૂંંટણી ઢંઢેરામાં ૧૦ લાખ યુવાઓને રોજગારનું વચન આપતા નીતિશ ગિન્નાયા હતા અને કહ્યું હતુંં કે, તમારો ઇલાજ કરીશું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન બિહારમાં શાસનમાં રહ્યા બાદ પણ નીતિશ કુમાર આ પહેલાની લાલુ યાદવની સરકાર પર જ માછલા ધોઇ રહ્યા છે જેનું તેમને ચૂંટણીમાં ભારે નુકસાન ઉઠાવી પડી શકે છે. દરમિયાન તેમણે તેજસ્વી યાદવ પર નોકરીઓના બહાને કૌભાંડ આચરવાની વાત કહેતા તેજસ્વીએ પણ જવાબ આપતા કહ્યું હતું કે, મારી સામે તમારા ૬૦ કૌભાંડ છે. જાહેરાતોમાં પોતાના ચહેરાને ચમકાવવા માટે તેમણે ૫૦૦ કરોડનું કૌભાંડ કર્યું છે. ત્યારબાદ તમે નોકરીઓ માટે નાણા ક્યાંથી લાવશો તેવી મજાકભરી વાતો કરો છો. આ ચૂંટણીમાં બેરોજગારી અને શિક્ષણ મહત્વના મુદ્દા બન્યા છે.
Recent Comments