જામનગર, તા. ૨૮
દ્વારકાના ટીવી સ્ટેશન પાસે રહેતી એક બાળકી રમતા-રમતા ચાર્જિંગમાં મુકવામાં આવેલા મોબાઈલ પાસે પહોંચી હતી. તે બાળકીએ ચાર્જરની પીન અડકી લેતા તેણીને વીજ આંચકો લાગ્યો હતો. આ બાળકીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે.
યાત્રાધામ દ્વારકામાં ટીવી સ્ટેશન રોડ પર રહેતા ધર્મેન્દ્રભાઈ દેવજીભાઈ રાઠોડ નામના વાણંદ યુવાનની સાત વર્ષની પુત્રી શ્રધ્ધા ગઈકાલે સવારે પોતાના ઘરમાં રમતી હતી. આ બાળકીએ રમતા રમતા નજીકમાં આવેલા ઈલેકટ્રીકના સ્વીચ બોર્ડ સાથે લગાડવામાં આવેલા મોબાઈલના ચાર્જરને ખેંચ્યું હતું.
આ વેળાએ ચાર્જરની પીનમાંથી આ બાળકીને વીજ આંચકો લાગતા તેણીને સારવાર માટે દ્વારકા દવાખાને ખસેડવામાં આવી હતી, ફરજ પર રહેલા તબીબે બેશુદ્ધ બની ગયેલી શ્રધ્ધાની સારવાર શરૃ કરી હતી, પરંતુ તેણીનું ટુંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે ધર્મેન્દ્રભાઈ રાઠોડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે તેણીના પરિવારને સ્તબ્ધ બનાવવાની સાથે ચાર્જિંગમાં મુકવામાં આવેલા મોબાઈલ વેળાએ વાલીઓએ રાખવાની તકેદારી અંગે લાલબતી ધરી છે.