(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા.૧૩
દ્વારકા જિલ્લો લાંબો સમય સુધી કોરોના વાયરસ મુક્ત રહ્યાં પછી ટ્રાવેલ હીસ્ટ્રીના કારણે બેટમાં બે અને સલાયામાં એક કેસ નોંધાયા પછી એક સાથે આઠ પોઝિટિવ કેઈસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. તમામ કેસમાં અજમેરથી આવનાર વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે સંક્રમણ થયું હોવાનું જાહેર થયું છે. દ્વારકા જિલ્લામાં અગાઉ બેટ-દ્વારકાના એક મહિલા અને પુરૂષ પોઝિટિવ નીકળેલા તે પછી તેમની સાથે જ અજમેર જનારા સલાયાના મુસ્લિમ પ્રૌઢા પોઝિટિવ નીકળ્યા હતા, જે પછી વેરાડ અને નાના આંબલાની બે પરિણીતા પોઝિટિવ નીકળેલી તે બન્ને દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ ગણાયા નથી, તે પછી ગઈકાલે બેટ-દ્વારકાની પોઝિટિવ મહિલાની એક વર્ષની પુત્રી જે દ્વારકા સરકારી ક્વોરન્ટાઈનમાં હતી, તે પોઝિટિવ નીકળતા કુલ સંખ્યા ૪ થઈ હતી, જે પછી રાત્રે ૧ વાગ્યે રિપોર્ટ આવ્યા હતા. તેમાં સાત કેસ પોઝિટિવ અને તમામ સલાયાના જ નીકળતા તંત્રમાં એક સાથે સાત અને બપોરે એક એમ આઠ કેસ નોંધાતા હડકંપની સ્થિતિ થઈ જવા પામી હતી. રાત્રે ૧રઃ૩૦ વાગ્યે જામનગર લેબોરેટરીમાંથી સાત વ્યક્તિ સલાયાના પોઝિટિવનો મેસેજ આવતા જ તંત્ર દોડ્યું હતું તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પટેલ દ્વારા તેમની ટીમ સાથે આ તમામ સાત વ્યક્તિઓ કે જે કુહાડિયા ક્વોરન્ટાઈન હતા તેમને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સ્પેશ્યલ વોર્ડમાં રાખી દેવામાં આવ્યા હતા તથા તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી.