(એજન્સી) દુબઈ, તા.૩૦
ભારત અને યુએઈએ સંરક્ષણ, સુરક્ષા, આતંકવાદ અને વેપાર સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટેના પગલાંઓની ચર્ચા કરી છે. બંને દેશોએ અબુધાબીમાં તેમના વ્યૂહાત્મક સંવાદના બીજા ચરણમાં આ વિશે ચર્ચા કરી હતી. આ સંવાદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ રાજ્યમંત્રી એમ.જે.અકબરે કર્યું, જ્યારે યુ.એઈનું પ્રતિનિધિત્વ તેના વિદેશ મામલાઓના રાજ્યમંત્રી ડો.અનવર ગરગશે કર્યું. એક નિવેદનમાં જણાવાયા અનુસાર, વાટાઘાટો દરમિયાન, બંને પ્રતિનિધિઓએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રાપ્ત થયેલ ‘મોટી પ્રગતિ’ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને દેશોએ સંરક્ષણ, રોકાણ, સુરક્ષા, આતંકવાદ, ઊર્જા અને ટેકનિકલ સહકારની સાથે સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. યુએઈએ ભારતમાં રોકાણમાં વધારો કર્યો છે અને સુરક્ષાના મુદ્દે તેનો સહકાર પણ વધ્યો છે. શનિવારે અકબર યુએઈની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓ કેબિનેટ મંત્રી મોહમ્મદ બિન અહમદ અલ બાવારડી અને રાજ્યના સંરક્ષણમંત્રી ઉપરાંત ક્રોન પ્રિન્સ કોર્ટના વડા શેખ હામીદ બિન ઝાયેદ અલ નહયાન તથા અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઈ.ઓને પણ મળ્યા. આ મુલાકાત અંગે અકબરે જણાવ્યું કે યુનાઈટેડ અરબ અમિરાત સાથેના અમારા વધતા જતા સંબંધોની સ્થાપનામાં વ્યુહાત્મક સંવાદો જરૂરી બની જાય છે. આજની અમારી ચર્ચાઓ અને અમારા વ્યાપક સંવાદોના તત્ત્વોની સમીક્ષા તથા તેના પુનઃ સંચાર માટે અમને સક્ષમ બનાવ્યા છે. આ પ્રક્રિયા ઈચ્છાની યાદીઓને હકીકતમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પોતાના પ્રારંભિક નિવેદનમાં ગરગશે પણ જણાવ્યું હતું કે અમે દ્વિપક્ષીય સંબંધોની વધતી જતી ગતિશીલતાથી ખૂબ જ સંતુષ્ટ છીએ. અમે યુએઈની પ્રગતિ અને સમૃદ્ધિ તરફ ભારતીય સમુદાયે કરેલા યોગદાનની પ્રશંસા કરીએ છીએ.