(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ની ટીમે શનિવારે સાંડેસરા બંધુના મની લોન્ડરિંગ કેસમાં સંડોવણીમાં પૂછપરછ કરવા માટે દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલના આવાસની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રણ સભ્યોવાળી ટીમ અહમદ પટેલના મધ્ય દિલ્હીમાં આવેલા આવાસ ૨૩ મધર ટેરેસા ક્રેસન્ટની મુલાકાત લીધી હતી અને પીએમએલએ હેઠળ નિવેદન નોંધ્યું હતું. અધિકારીઓ અનુસાર ઇડીએ પૂછપરછ માટે અહમદ પટેલને બે વખત નોટિસ મોકલી હતી પરંતુ ગુજરાત કોંગ્રેસના રાજ્યસભા સાંસદે કોરોના વાયરસની ગાઇડલાઇનનો હવાલો આપીને કહ્યું હતું કે, સિનિયર સિટિઝન્સને ઘરમાં જ રહેવાની સલાહ અપાઇ છે. આ અંગે એજન્સીએ તેમનો અનુરોધ સ્વીકાર્યો હતો અને માહિતી આપી હતી કે, તેઓ તેમની પૂછપરછ માટે એક તપાસ અધિકારી મોકલશે. આ કેસ ચેતન અને નિતીન સાંડેસરા બંધુઓ તથા અન્યો વિરૂદ્ધ તપાસનો છે જેમાં ગુજરાત ખાતેની સ્ટર્લિંગ બાયોટેક કંપની દ્વારા બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે.