ડરબન, તા.૩૧
વિષમ પરિસ્થિતિમાં પોતાના જુસ્સા અને સાહસનું ઉમદા ઉદાહરણ રજૂ કરીને ત્રીજી ટેસ્ટમાં વિજય મેળવનારી ભારતીય ટીમ દ.આફ્રિકા વિરૂદ્ધ કાલથી અહિયા શરૂ થનારી ૬ મેચોની વન-ડે સીરીઝમાં હવે વધેલા મનોબળની સાથે ઉતરશે અને તેનું લક્ષ્યાંક દ.આફ્રિકાની ધરતી પર પ્રથમ વન-ડે સિરીઝ જીતી નવો ઈતિહાસ સર્જવાનો હશે. એટલું જ નહીં વિશ્વકપ ર૦૧૯ માટે હવે ફક્ત ૧૪ મહિનાનો સમય બાકી છે અને આવામાં ભારત આ સિરીઝ દ્વારા ક્રિકેટ મહાકુંભ માટે પોતાની તૈયારીઓની પણ શરૂઆત કરશે. ભારતને પોતાની મોટી ટેસ્ટ સિરીઝ પહેલા ઘણી વન-ડે મેચ રમવાની છે અને દ.આફ્રિકા વિરૂદ્ધ આની સકારાત્મક શરૂઆત કરવી તેના માટે ખૂબ જ જરૂરી છે. ભારતને દ.આફ્રિકામાં ૬ વન-ડે અને ત્રણ ટ્‌વેન્ટી-ર૦ મેચ રમ્યા બાદ શ્રીલંકામાં ત્રિકોણીય સિરીઝમાં ભાગ લેવાનો છે. ત્યારબાદ આઈપીએલ રમાશે. ત્યારબાદ તેને ઈંગ્લેન્ડ અને આયરલેન્ડમાં ત્રણ વન-ડે અને ત્રણ ટ્‌વેન્ટી-ર૦ મેચ રમવાની છે. ઈંગ્લેન્ડમાં ઓગસ્ટમાં તે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. ભારતીય ટીમ દ.આફ્રિકામાં પોતાની પ્રથમ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે. ભારતને આ પહેલા અહીયા રમેલી ચાર દ્વિપક્ષીય સિરીઝમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ

– પહેલી ફેબ્રુઆરીના દિવસે ડર્બનમાં પ્રથમ વનડે
 ૪થી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં બીજી વનડે
 ૭મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ત્રીજી વનડે
 ૧૦મી ફેબ્રુઆરીના દિવસે જ્હોનિસબર્ગમાં ચોથી વનડે
 ૧૩મી ફેબ્રુઆરીના દિવસે પોર્ટએલિઝાબેથમાં પાંચમી વનડે
૧૬મી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં છઠ્ઠી વનડે
– ૧૮મી ફેબ્રુઆરીના દિવસે સાંજે જ્હોનિસબર્ગમાં પ્રથમ ટ્‌વેન્ટી
 ૨૧મી ફેબ્રુઆરીએ સેન્ચુરિયનમાં બીજી ટ્‌વેન્ટી
 ૨૪મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ત્રીજી ટ્‌વેન્ટી
નોંધ : તમામ વનડે મેચોનું પ્રસારણ સાંજે ૪.૩૦ વાગ્યાથી અને ટ્‌વેન્ટી મેચોનું પ્રસારણ ૯.૩૦ વાગ્યાથી કરાશે