કેપટાઉન, તા.૬
સતત બે જીતથી આત્મવિશ્વાસથી ભરેલું ભારત ઈજાથી પરેશાન દ.આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી વન-ડે મેચમાં વિજયની સાથે ૬ મેચોની સિરીઝમાં ૩-૦ની લીડ મેળવવાનો પ્રયાસ કરશે. દ.આફ્રિકામાં દ્વિપક્ષીય સિરીઝમાં આ પહેલાં ભરતીય ટીમ ક્યારેય બેથી વધારે વન-ડે જીતી શકી નથી. પ્રવાસી ટીમે ૧૯૯૦-૯રમાં સાત મેચોની સિરીઝ ર-પથી ગુમાવી હતી જ્યારે ર૦૧૦-૧૧માં ભારત ર-૧ની લીડ બનાવવા છતાં પાંચ મેચોની સિરીઝ ર-૩થી હારી ગયું હતું. પણ હાલની ભારતીય ટીમનું ફોર્મ જોતા ઈતિહાસનું પુનરાવર્તન થવાની સંભાવના નથી. દ.આફ્રિકાનું ખરાબ પ્રદર્શનનું કારણ મોટાભાગે ઈજાની સમસ્યા પણ છે. ડિવિલિયર્સ અને ડુપ્લેસીસ બાદ હવે ડીકોક ઈજાના કારણે બહાર થઈ ગયો છે અને આવામાં હેનરીક કલાસેનને પદાર્પણ કરવાની સંભાવના છે. જે અહિંયા ઘરેલું વન-ડે ટુર્નામેન્ટમાં ત્રીજો ટોપ સ્કોરર હતો. સેન્યુરીયનમાં જીત બાદ ભારત આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. જો કે દ.આફ્રિકાની જીતથી ભારત ફરીથી બીજા સ્થાને ધકેલાઈ જશે. ટીમ મેનેજમેન્ટ જો કે સતત કહેતું રહ્યું છે કે તે રેન્કિંગને વધારે મહત્ત્વ નથી આપતું પણ કોહલી એન્ડ કંપની ટોચના સ્થાને રહેવા માંગશે.