નવી દિલ્હી,તા.૩
ટીમ ઇન્ડિયા માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ વધુ સારો ન રહ્યો. ટી-૨૦ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ વન ડે અને ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો. ન્યૂઝીલેન્ડે, ટીમ ઇન્ડિયાને વન ડે અને ટેસ્ટ બંને સીરીઝમાં વ્હાઇટ વોશ કરી. જો કે, હવે ભારતીય ટીમ સામે આ હારને ભૂલાવી આગામી સીરીઝની તૈયારી કરવાનો પડકાર છે.
ભારતીય ટીમ હવે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ૧૨ માર્ચથી વન ડે સીરીઝ રમશે. દક્ષિણ આફ્રિકાએ આ સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત પણ કરી દીધી છે. ત્યારે ભારતીય ટીમની પસંદગી હાલ બાકી છે. માહિતી મુજબ ભારતીય ટીમની પસંદગી એકવાર ફરી એમએસકે પ્રસાદની આગેવાનીની પસંદગી સમિતિ કરે એવા અહેવાલ છે.
માહિતી મુજબ ભુવનેશ્વર કુમાર, શિખર ધવન અને હાર્દિક પંડ્યાની વાપસીને લઈ સારા સંકેત મળ્યા છે. આ ત્રણે ખેલાડીઓએ ડીવાઈ પાટિલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂત્રો મુજબ એમએસકે પ્રસાદે આ ત્રણે ખેલાડીને મેદાન પર જોયા બાદ કહ્યું કે આ ત્રણેની વાપસી જોઈ તેઓ ખુશ છે. જો કે, એમએસકે પ્રસાદનો કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો છે. પરંતુ અત્યાર સુધી તેમની જગ્યાએ કોઈ અન્ય પસંદગીકર્તાને નિમણૂક કરવામાં આવ્યા નથી. તેથી એમએસકે પ્રસાદની આગેવાનીની પસંદગી સમિતિ એકવાર ફરી ભારતીય ટીમની પસંદગી કરી શકે છે.