(એજન્સી) તા.૨પ
વાયુ પ્રદૂષણ આગામી પેઢીને ખતમ કરી રહી છે એ કોઇ શબ્દાલંકાર નથી, લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રસિદ્ધ થયેલા તાજેતરના એક અભ્યાસ અનુસાર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વાયુની નબળી ગુણવત્તા અને વાયુ પ્રદૂષણને કારણે ૩.૫ લાખ જેટલા ગર્ભપાત થયા છે. હવાની ખરાબ ગુણવત્તાને કારણે પ્રેગ્નેન્સીમાં મોટું નુકસાન પહોચે છે અને વધતાં જતાં વાયુ પ્રદૂષણને લઇને કેટલીય મહિલાઓને ગર્ભપાત થઇ જાય છે. દ.એશિયામાં ૧૫ ગર્ભપાતમાંથી એક ગર્ભપાત વાયુ પ્રદૂષણના કારણે થાય છે એવું આ અભ્યાસમાં બહાર આવ્યું છે. આ અભ્યાસનું વિશ્લેષણ કરનાર સંશોધકોએ જણાવ્યું છે કે નરી આંખે નહીં દેખાતા એવા પીએમ ૨.૫ પાર્ટીકલ્સને કારણે પ્રેગનન્સી લોસ થાય છે. વિશ્વ આરોગ્ય સંઘની હવાની ગુણવત્તા અંગેની માર્ગદર્શિકામાં પ્રતિ ઘન મીટર પીએમ ૨.૫નું સ્ટાન્ડર્ડ કોન્સન્ટ્રેશન ૧૦ માઇક્રોગ્રામથી ઓછું હોવું જોઇએ પરંતુ જુદા જુદા દેશોમાં પોતાના જુદા જુદા ધોરણો છે. દ.એશિયામાં દર સાલ અંદાજિત ૩૪૯૬૮૧ ગર્ભાવસ્થામાં નુકસાન પીએમ ૨.૫ સાથે સંકળાયેલ છે જે ભારતના વાયુ ગુણવત્તા માપદંડથી વધુ છે. અભ્યાસ અનુસાર ૨૦૦૦થી ૨૦૧૬ વચ્ચે દર વર્ષે ૭ ટકા પ્રેગ્નન્સી લોસ થઇ છે. વધતાં જતાં વાયુ પ્રદૂષણને કારણે એવી પણ કેટલીક મહિલાઓ છે કે જેમને મૃત બાળકો જન્મ્યાં છે. જ્યારે એવી પણ અનેક મહિલાઓ છે કે જેમને ગર્ભાધાન થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો કેટલીક મહિલાઓને ગર્ભાધાન થતું જ નથી. જો કે આ અભ્યાસમાં નેચરલ પ્રેગનન્સી લોસ અને ગર્ભપાત વચ્ચેનો તફાવત જાણી શકાયો નથી. સંશોધકોએ પોતાના સંશોધનમાં ૩૪૧૯૭ મહિલાઓને આવરી લીધી હતી તેમાં ૨૭૪૮૦ મહિલાઓ એવી છે કે જેમને ગર્ભપાત થયો છે અને ૬૭૧૭ મહિલાઓ એવી છે કે જેમણે મૃત બાળકો જન્મ્યાં છે. ગર્ભાવસ્થાના નુકસાનના ૭૭ ટકા કિસ્સાઓ ભારતના, ૧૨ ટકા પાકિસ્તાનના અને ૧૧ ટકા બાંગ્લાદેશના હતા.
Recent Comments