(એજન્સી) પ્યોંગયોંગ, તા. ૧૪
દક્ષિણ કોરિયાની સરહદે પહોંચનાર ઉત્તર કોરિયન સૈનિકની છ ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી. અમેરિકાની આગેવાની વાળા યુનાઈટેડ નેશન્સ કમાન્ડે કહ્યું કે ઉત્તર કોરિયન સૈનિક બન્ને દેશોની સરહદને અલગ કરનાર અને ભારે ચોકીપહેરો ધરાવતા વિસ્તારમાં પહોંચી ગયો હતો. ત્યાર બાદ વાહન લઈને બહાર આવતો હતો અને દક્ષિણ તરફ ભાગી રહ્યો હતો ત્યારે ઉત્તર કોરિયાના સૈનિકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો જેમાં તેનું મોત થયું. સાઉથ કોરીયન જોઈન્ટ ચીફના એક અધિકારીએ કહ્યું કે ઉત્તર કોરિયન સૈનિકોએ તેના સૈનિક પર ઓછામાં ઓછી ૪૦ ગોળીઓ છોડી હતી. સૈનિકોની સારવાર કરી રહેલા ડોક્ટરે કહ્યું કે, તેને પેટમાં છ ગોળીઓ વાગી છે. શરીર પર ઓછામાં ઓછાં ૬ ગોળી વાગ્યાના નિશાન છે. તેના શરીરના અંદરના ભાગોને ખૂબ નુકસાન થયું છે તે કેટલો વખત જીવશે તે કહેવું મુશ્કેલ છે. સાઉથ કોરિયન લશ્કરે કહ્યું કે, સરહદે કોઈ યુદ્ધવિરામનો ભંગ થયો નથી કે સામસામે ગોળીબારી થઈ નથી. સરહદે ધસી ગયા બાદ સૈનિક દક્ષિણ કોરીયન બાજુની એક ઈમારતની ઓથે સંતાયો હતો. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે કહ્યું કે, તે વિખેરાયેલા પાંદડાના ઢગલા વચ્ચે બેહાશ હાલતમાં મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ઘણા લાંબા સમયથી શાબ્દિક જંગ ચાલી રહ્યો છે. ઉત્તર કોરિયા દ્વારા લગાતાર પરમાણુ પરીક્ષણ કરવામાં આવતાં અમેરિકા ગિન્નાયું છે.