(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત થઈ રહેલ વધારાને પગલે ઠંડીનું જોર સતત ઘટી રહ્યું છે. પવનની ગતિ મંદ હોવાથી તાપમાનમાં વધારો થઈ રહ્યું હોવાનું પ્રાથમિક તારણ હવામાન વિભાગે જણાવ્યું છે. સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૪.૮ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૧.૨ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૪ મિલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી હવાની ગતિ મંદ થઈ છે. ગતરોજની સરખામણીએ આજે શહેરનું અધિકતમ તાપમાનમાં અને ન્યુનતમ તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો વધારો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ઠંડી વલસાડ ખાતે થતી હોય છે. આજે વલસાડમાં ન્યુનતમ તાપમાન ૧૭.૫ ડિગ્રી નોંધાયું છે. જે ગઈકાલે ૧૭ ડિગ્રી નોધાયું હતું અને તેના આગલા દિવસે ૧૪ ડિગ્રી ન્યુનતમ તાપમાન હતું. આગામી બે ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાવાની સાથે ઠંડીનું જોર વધશે તેવી શક્યતા છે.