(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯

બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે શનિવારે આખો દિવસ આકાશમાં વાદળ છવાયેલુ વાતાવરણ રહ્યા બાદ હાથતાળી આપી ગયેલા વરસાદ રાત્રે ધોધમાર વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લામાં સારો વરસાદ નોંધાયો હતો. જેમાં સુરત અને તાપી જિલ્લામાં વરસાદ મનમુકીને વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ વાલોડમાં છ ઈંચ, સોનગઢ, ડોલવણમાં પોણા ચાર, વ્યારા, બારડોલીમાં સાડા ત્રણ, માંગરોળ, મહુવામાં ત્રણ, માંડવીમાં અઢી ઈંચ, સુરત સિટી સહિત મોટાભાગના તાલુકમાં એકથી બે ઈંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાના મોટાભાગના તાલુકામાં સારો વરસાદ થવાને કારણે પાણીથી તરબોલી ઉઠ્યો છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો ગઈકાલે આખો દિવસ વરસાદે ઉઘાડો લીધો હતો. દિવસ દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ ઊભું કર્યા બાદ વરસાદ માત્રે ઝાપટુ મારી હાથ તાળી આપી હતી. જો કે, મોડી સાંજ ફરી વરસાદમય માહોલ સર્જાયો હતો અને રાત્રે ધોધમાર તૂટી પડ્યો હતો. તે જ પ્રમાણે તાપી જિલ્લામાં પણ મેઘરાજાએ રાત્રીએ તોફાની બેટિંગ કરી હતી.

દક્ષિણ ગુજરાતના ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વહીવટી તંત્રના ફલ્ડ કંટ્રોલમાંથી મળતી આંકડાકીય માહિતી પ્રમાણે સુરત જિલ્લામાં બારડોલીમાં ૮૩ મી.મી., ચોર્યાસીમાં ૫૦ મી.મી., કામરેજમાં ૪૭ મી.મી., મહુવામાં ૭૨ મી.મી., માંડવીમાં ૬૫ મી.મી., માંગરોળમાં ૭૧ મી.મી., ઓલપાડમાં ૧૬ મી.મી., પલસાણામાં ૪૮ મી.મી., સુરત સિટીમાં ૨૭ મી.મી., ઉમરપાડામાં ૧૨ મી.મી. વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લામાં નવસારીમાં ૧૯ મી.મી., ખેરગામમાં ૪૨ મી.મી., ગણદેવીમાં ૧૨ મી.મી. ચીખલીમાં ૧૫ મી.મી., જલાલપોરમાં ૧૩ મી.મી. વાસદામાં ૩૨ મી.મી. પડ્યો હતો. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ૨ મી.મી., કપરાડામાં ૧૦ મી.મી., ધરમપુરમાં ૩૨ મી.મી., વલસાડમાં ૩૫ મી.મી., પારડીમાં ૨૮ મી.મી., વાપીમાં ૪ મી.મી. પડ્યો હતો. તાપી જિલ્લામાં ઉચ્ચલમાં ૬૧ મી.મી., કુકરમુંડામાં ૧૩ મી.મી., ડોલવણમાં ૯૦ મી.મી., નિઝરમાં ૩ મી.મી. વ્યારામાં ૮૭ મી.મી., વાલોડમાં ૧૨૯ મી.મી., સોનગઢમાં ૮૦ મી.મી. પડ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લામાં આહવામાં ૩૬ મી.મી., વઘઈમાં ૪૯ મી.મી., સુબીરમાં ૪૬ મી.મી., સાપુતારામાં ૨૧ મી.મી. વરસાદ પડ્યો હતો.