(સંવાદદાતા દ્વારા) સુરત તા.૭
વિશ્વમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઇને લોકડાઉનની સ્થિતિ પ્રવર્તિ રહ્યી છે. સૌથી વિકટ પરિસ્થિતિ વિકલાંગોની બની જવા પામી છે. જેમના માટે ખૂદ રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા પણ કોઇ યોગ્ય પગલા લેવામાં આવ્યાં નથી. આવા સંજોગોમાં દક્ષિણ ગુજરાતના વિકલાંગોની વહારે ચઢી ડિસેબલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટે (સુરત) સમગ્ર દેશની સેવાભાવી સંસ્થાઓ માટે એક ઉમદુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ સંસ્થાએ સુરતના ૮પ૦ , તાપી જિલ્લાના ૧૧૦૦ જેટલા વિકલાંગોને અત્યાર સુધીમાં સાધન સહાય કિટો પહોંચતી કરી દીધી છે, જ્યારે ડાંગ જિલ્લામાં આગામી ગુરુવારના રોજ ૧૭૦૦ વિકલાંગો પૈકી ૭૦૦થી વધુ વિકલાંગોને સહાય કિટ પહોચાડવા માટે આ સંસ્થા જઇ રહી છે.
ડિસેબલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદ્મશ્રી કનુભાઇ ટેલરે જણાવ્યું હતું કે વિકલાંગો પોતે સ્વમાની હોય છે, તેઓ ક્યારેય કોઇ જગ્યાએ સામેથી માંગવા જતા નથી. સાંપ્રદ પરિસ્થિતિમાં તેમની સ્થિતિ કેવી દયનીય હશે તેનો અંદાજ પોતે વિકલાંગ હોવાથી છે, માટે અમારી સંસ્થા દક્ષિણ ગુજરાતના શક્ય હોય ત્યાં સુધી તમામે તમામ વિકલાંગોના ઘરે ઘર સામેથી જઇ તેમને રાશન પાણી અને સેનેટાઇઝરના સાધનોની કિટોનું વિતરણ કરી સમાજ સેવાનો એક ઉમદુ ઉદાહરણ પુરૂ પાડી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થાએ સુરત શહેરના ૮પ૦ જેટલા વિકલાંગોને એક મહિનો ચાલી રહે એટલું રાશન પાણી ઘરે ઘર જઇ પહોંચાડ્યું છે, અમે તાપી જિલ્લાના ૧૧૦૦ જેટલા વિકલાંગોને ૧પ દિવસથી વધુ ચાલી રહે તેટલું રાશન પાણી અને સેનેટાઇઝરના સાધનો ઘરે ઘર જઇ પહોંચાડ્યાં છે જ્યારે પંદરેક દિવસ સુધી ચાલે એટલી આવશ્યક ચીજ વસ્તુઓની કિટનું પદ્મશ્રી ડો.કનુભાઇ ટેલર, પ્રમુખ ડિસેબલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના સહયોગથી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ દ્વારા નગર પાલિકાના પ્રમુખ મહેરનોશ જોખી તથા ચીફ ઓફિસર શૈલેષ પટેલની ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. ટોકન રૂપે પાંચ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કીટ વિતરણ કરવાના આ સેવાકાર્યમાં હેમંતભાઇ શંકર તથા તેમનું મિત્ર મંડળ, રિવાજ ગ્રૃપના ગોરધનભાઇ તથા વલ્લભભાઇ, વ્યારાના અજયભાઇ શાહ વિગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાકેશ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા બાકીની કિટો દિવ્યાંગોના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.