ધંધુકા,તા.૧૯
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની બાજરડા ગ્રામ પંચાયત હંમેશા વિવાદોથી ઘેરાયેલી જોવા મળે છે. ચૂંટાયેલા પ્રતિનીધિ હોય કે તલાટી કમ મંત્રી સામે કોઈના કોઈ બહાના હેઠળ આક્ષેપો થયા જ કરે છે.
બાજરડા ગ્રા.પં. કચેરીમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી લિયાકત પાટડિયા દ્વારા ગામના જ સામાજિક કાર્યકર પાસે આકારણીની નકલ આપવા બાબતે એક હજાર રૂપિયાની લાંચ માંગી હોવાની વીડિયો ગ્રાફી સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ મામલે અરજદાર તથા સામાજિક કાર્યકર યાકુબભાઈ ઉમરભાઈ સંઘરિયાત દ્વારા લાંચની માગણી બાબતે તલાટી કમમંત્રી વિરૂદ્ધ વીડિયો ગ્રાફી સાથે ધંધુકા પોલીસ સ્ટેશન, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર તથા નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ મામલે હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તેના પર સૌની નજર મંડાયેલી જોવા મળે છે.