સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં છોડવામાં આવેલા પૂરના પાણીના કારણે ભોગાવો નદી બે કાંઠે વહેતી થતાં ધંધુકા તાલુકાના લોલિયા ઉતેલિયા સરગવાડા અને ભોળાદ ગામ ઉપરાંત ધોલેરા તાલુકાના ધનાળા અને આનંદપુર ગામની સીમમાં ભોગાવો નદીના પૂરના પાણી ફરી વળતા ખેડૂતોનો કપાસનો ઊભો પાક બળી જતાં ખૂબ જ નુકસાન થયું છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈકાલે લોલિયા તથા આસપાસના વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્ત ખેડૂતોને સાંત્વના પાઠવી હતી અને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરીને શક્ય તે તમામ આર્થિક સહાય માટે રજૂઆત કરવામાં આવશે. ચુડાસમાએ આ ગામમાં અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવાની પણ પ્રાંત અધિકારી ધંધુકાને સૂચના આપતા તાત્કાલિક ધોરણે આ ગામોમાં જ્યાં નુકસાન થયું છે તે વિસ્તારોનો નુકસાનીનો સર્વે કરવામાં આવશે.