(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ, તા.ર

ધંધુકા-ફેદરા રોડ પર હરિપુરાના પાટિયા પાસે ઝેરી ક્લોરાઈન ભરેલા ટ્રકમાં ધડકાભેર આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટાથી આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા જ્યારે ઝેરી ગેસની અસરથી લોકોની આંખોમાં બળતરા થવા લાગતા નાસભાગ મચી ગઈ હતી. બનાવ અંગે ધંધુકા ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર લાશ્કરોએ આગને કાબૂમાં લેતા જાનહાનિ ટળી હતી. જો કે, આ દુર્ઘટનામાં ચાર લોકોને ઈજા પહોંચી હતી.

અમદાવાદ જિલ્લાના ધંધુકા-ફેદરા રોડ હરીપુરા પાટીયા પાસે ગેસ વેલ્ડીંગના સિલિન્ડર લઈ જતી ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. ટ્રક ગાંધીધામથી ઝેરી ક્લોરાઇન ભરી વડોદરા તરફ જઈ રહ્યો હતો. અને તેવામાં કોઈ અગમ્ય કારણોસર ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. જેને કારણે ગેસ વેલ્ડીંગમાં વપરાતાં સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થવા લાગ્યા હતા. આ સિલિન્ડરમાં ઝેરી ક્લોરાઈન ગેસ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટ્રકમાં બ્લાસ્ટ સમયે તેની પાસેથી પસાર થતી કારમાં સવાર ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બ્લાસ્ટને કારણે પ્રચંડ જ્વાળાઓ પણ ઉઠી હતી. જેણે પણ આ નજારો જોયો હતો તે ગભરાઈ ઉઠ્યા હતા. અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જો કે, ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પણ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

ટોક્સિક ક્લોરાઈન ઝેરી ગેસ છે. તેની અસરથી જે-તે વ્યક્તિની આંખોમાં અને નાકમાં બળતરા થાય છે અને વધારે અસર થાય તો માથું દુઃખવું, ચક્કર આવવા જેવી ફરિયાદ પણ ઉઠે છે. જો કે પાણીનું  ભીના કપડાંથી આંખ અને નાક સાફ કરવાથી ઝેરી ગેસની અસર ઓછી થાય છે. આ ગેસનો ઉપયોગ ફેક્ટરીમાં ગંદુ પાણી સાફ કરવા માટે પણ થતો હોવાનું જાણવા મળ્યું છે.