(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૨
રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ગરબડનો આરોપ મૂક્યો હતો. તેજસ્વી યાદવે કહ્યું કે જનાદેશ મહાગઠબંધના પક્ષમાં હતું. જોકે ચૂંટણી પંચે આપેલા પરિણામ એનડીએના પક્ષમાં ગયા. તેમણે કહ્યું કે અમને લોકોનો ટેકો મળ્યો. પણ એનડીએએ ધન-બળ-છળના જોરે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો. તેની સાથે જ તેજસ્વીએ ચૂંટણી પંચ સામે સવાલો ઊભા કર્યા અને મુખ્યમંત્રી નીતીશ કુમાર તથા પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેજસ્વી યાદવને મહાગઠબંધનના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પટણામાં પત્રકારોને સંબોધતાં તેજસ્વી યાદવે મતગણતરીમાં ગરબડનો આરોપ મૂકી મહાગઠબંધનને હરાવવાની વાત કરી. તેમણે કહ્યું કે આ ચોંકાવનારી વાત એ છે કે એનડીએને મહાગઠબંધનથી ફક્ત ૧૨,૨૭૦ વોટ વધુ મળ્યા અને તેમ છતાં તે વધુ ૧૫ બેઠક જીતવામાં સફળ રહ્યા. અમે ૨૦ બેઠક પર સામાન્ય અંતરથી હાર્યા. અનેક વિધાનસભા ક્ષેત્રોમાં કમ સે કમ ૯૦૦ ટપાલ મતપત્રો રદ કરી દેવાયા. તેજસ્વી યાદવે કહ્યું કે અમે એ તમામ વિધાનસભા ક્ષેત્રોમાં ટપાલના મતપત્રોને ફરી ગણવાની માગ કરીએ છીએ. જ્યાં તેમની ગણતરી શરૂમાં નહીં અંતે કરવામાં આવી હતી. તેજસ્વીએ કહ્યું કે મહાગઠબંધનના નેતા ચૂંટણીમાં સકારાત્મક અને પ્રજાના મુદ્દા સાથે ચૂંટણી મેદાને ઊતર્યા હતા. જેના માટે લોકોએ ભરપૂર ટેકો પણ આપ્યો. પ્રજાના નિર્ણય અને ચૂંટણીના પરિણામોમાં ફેર છે. પ્રજાનો નિર્ણય મહાગઠબંધનની તરફેણમાં હતો. જોકે ચૂંટણી પંચનો નિર્ણય એનડીએના પક્ષમાં છે. તેમણે કહ્યું કે સમય જનાદેશ બદલાવનો છે. પણ ફરી એકવાર જનાદેશની ચોરી કરવામાં આવી. અગાઉ ૨૦૧૫માં પણ આવું જ કરાયું હતું. તેજસ્વીએ માગ કરી કે ફરીથી મતની ગણતરી થવી જોઈએ જેનાથી ખબર પડી જશે કે કોણ કેટલા દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. આ દરમિયાન રાજદ નેતાએ નીતીશ કુમાર પર કટાક્ષ કર્યો કે જે લોકો ત્રીજા ક્રમે પહોંચી ગયા તે આજે પણ સત્તા પર બિરાજમાન થવા તૈયાર છે. તેજસ્વીએ મુખ્યમંત્રીને પડકારતાં કહ્યું કે નીતીશ કુમારમાં જો થોડીક પણ નૈતિકતા બચી હોય તો તેમને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. જો તેમનામાં થોડોક પણ વિવેક બાકી હોય તો તેમણે મુખ્યમંત્રી પદનો મોહ છોડી દેવો જોઈએ. તેમણે કહ્યું કે અમે બિહારમાં મહાગઠબંધન ધન્યવાદ યાત્રા નીકાળીશું. કેમ કે અમે માનીએ છીએ કે અમે જીત્યાં છીએ. પત્રકારો સાથેની વાતચીતમાં તેજસ્વીએ પ્રજાના મુદ્દાઓને ઊઠાવતા રહેવાની વાત પણ કહી હતી.