(એજન્સી) ચંડીગઢ, તા.૧૪
પૂર્વ ડીજીપી સુમેધસિંહ સૈનીની આગોતરા જામીનઅરજી ફગાવી દેતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશના તાજેતરના હુકમના સંદર્ભમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે, જેમાં જામીનઅરજી પર સુનાવણી કરતા બે ન્યાયાધીશોના અગાઉના ઇનકાર અંગેની ટિપ્પણી કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ ફતેહ દીપસિંહે ગત સપ્તાહે પસાર કરેલા ૧૫ પાનાના આદેશમાં બે ન્યાયાધીશોના પગલાઓને પૂર્વ ડીજીપી દ્વારા ‘ન્યાયિક પ્રક્રિયા પર દબાણ લાવવા’ સંભવિત પ્રયાસનું પરિણામ માનવામાં આવે છે. ભૂતપૂર્વ ન્યાયાધીશો અને વકીલોએ સંદર્ભને ‘ટાળી શકાય તેવું’ ગણાવતા કહ્યું કે બંને ન્યાયાધીશો સંભવતઃ વ્યક્તિગત કારણોસર કેસથી અલગ થયા હોય અને અરજકર્તાના કોઈ દબાણ હેઠળ નહીં અલગ થયા હોય. સૈની મોહાલીના એક યુવકના ગુમ થવાના ૨૯ વર્ષ જૂના કેસમાં ફરાર ચાલી રહ્યા છે. જેમાં આક્ષેપો મૂક્યા છે કે પંજાબમાં આતંકવાદના દિવસોમાં પૂર્વ ડીજીપીની સૂચનાથી હત્યા કરાઈ હતી. અગાઉ, તેમની જામીન અરજી મોહાલીની સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી, ત્યારબાદ તેઓ હાઇકોર્ટમાં ગયા હતા. ન્યાયાધીશ ફતેદીપસિંહે ૮ સપ્ટેમ્બરના રોજ જારી કરેલા પોતાના આદેશમાં કહ્યું હતું કે, “રાજ્ય દ્વારા દલીલ કરવામાં આવી છે કે અરજદાર શાસનની પ્રિય વ્યક્તિ છે. અને રાજકીય સમર્થનથી તેમનો પ્રભાવ ખૂબ વધી ગયો છે અને તેમણે કાયદો પણ હાથમાં લઇ લીધો હતો અને ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાની હદ સુધી પણ ગયા હતા, જે હકીકત વિનોદકુમાર કેસમાં આજ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશના નિરીક્ષણ અને ત્યારબાદના બે ન્યાયાધીશોના કેસની સુનાવણીના ઇનકારથી સ્પષ્ટ થાય છે. ’ સૈનીની જામીનઅરજી અગાઉ ન્યાયાધીશ અનમોલ રતનસિંહ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેમણે કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેને જસ્ટિસ સુવીર સહગલની કોર્ટમાં મોકલવામાં આવી હતી અને તેમણે પણ સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો. આ પછી આ કેસની સુનાવણી જસ્ટિસ ફતેહ દીપસિંહ સમક્ષ કરવામાં આવી હતી.