અમદાવાદ, તા. ૨૫
સીએએ અને એનઆરસીના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવાના બનાવો પણ બને છે ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતી મહિલા એલઆરડીને તેના પતિએ ધમાલમાં સિંઘમ બનવા ન જતી, અમદાવાદની ધમાલ હજુ તે જોઇ નથી તેવો ધમકીભર્યો મેસેજ કર્યો હતો. બીજા મેસેજમાં મને બહુ ત્રાસ આપીશ તો પુત્રને જોઇ લઇશ તેવી પણ ધમકી આપી હતી. મહિલા એલઆરડીએ આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ૩૦ વર્ષીય મહિલા એલઆરડીના વર્ષ ૨૦૦૬માં લગ્ન થયા હતા. તેને ૧૩ વર્ષનો પુત્ર પણ છે. પતિ સાથે નાની મોટી વાતોમાં ઝઘડા થતા મહિલા એલઆરડી ૨૦૧૫થી તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી. વર્ષ ૨૦૧૦માં તેણે ખંભાતમાં પતિ સામે શારીરિક માનસિક ત્રાસ આપવાની પણ ફરિયાદ નોંધાવી હતી. ચાર દિવસ પહેલા નાગરિકતા બિલના વિરોધને લઇને મહિલા એલઆરડી બંદોબસ્તમાં હતી. આ દરમ્યાન તેના પતિએ ૧૦ જેટલા ટેક્સ્ટ મેસેજ કર્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે, ધમાલમાં સિંઘમ બનવા ન જતી, ભીડમાં લોકો તારી હાલત ખરાબ કરી નાખશે, અમદાવાદની ધમાલ હજુ તે જોઇ નથી, કઇ બાજુથી ક્યાંથી પડશે તેની તને ખબર પણ નહીં રહે. બાદમાં બીજો મેસેજ પણ આવ્યો હતો. જેમાં તેણે ધમકીભર્યુ લખાણ લખ્યું હતું કે, મને માનસિક ત્રાસ આપીશ તો તારા દીકરાને તકલીફ પડશે, તને લડવાનો ખૂબ શોખ છે, તો તું જેના પર કૂદતી હોય તેની સાથે મેદાનમાં આવી જા, ખબર પડી જશે. મારા ખાનદાનનું કોઇ કંઇ ઉખેડી નહીં શકે. મહિલા એલઆરડીએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.