(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮
આજે જી.એસ.એફ.સી. કંપનીની બહાર ધરણા પર ઉતરેલા જી.એસ.એફ.સી.ના ફાઇબર યુનિટના ૧૦૦ કરતાં વધુ કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી. કર્મચારીઓના ધરણા અટકાવવા માટે પોલીસ પહોંચી જતા મેઇન ગેટની બહાર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
જી.એસ.એફ.સી. દ્વારા કોસંબા સ્થિત ફાઇબર યુનિટ બંધ કરીને વડોદરા યુનિટ સાથે ભેળવી દેવામાં આવ્યા બાદ કામદારોને મળવા પાત્ર પગાર સહિતનાં લાભોમાં અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરી કામદાર યુનિયન દ્વારા જી.એસ.એફ.સી. કંપનીનાં ગેટ સામે પરિવારજનો સાથે ધરણા અને ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આજે ધરણા શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને ધરણા અટકાવી દીધા હતા. તે પછી ધરણા પર ઉતરેલા કર્મચારીઓને પોલીસ અટકાયત કરી પોલીસ મથકે લઇ ગઇ હતી. કામદાર આગેવાનોનું કહેવું હતું કે, પોલીસ પાસે પરવાનગી લીધી હોવા છતાં અમારી અટકાયત કરાઇ છે. હવે પછી કાયદાકીય અભિપ્રાય લઇને આંદોલન આગળ વધારવા અંગે નિર્ણય લેવાશે. કર્મચારી સંગઠનનાં કહેવા પ્રમાણે ૩૧ માર્ચ ૨૦૧૮ નાં રોજ પે-સ્ટ્રકચર ફીકસ કરીને તે ફિકસેસન પ્રમાણે ૧ એપ્રિલ, ૨૦૧૮ થી પગારની ચુકવણી કરવાની હતી. પરંતુ આ નિયમોનું અને વાયદાઓનું કંપની સત્તાધિશોએ પાલન કર્યું નથી.