(એજન્સી) તા.૧૪
૫,ઓક્ટો.ધરપકડ કરાયેલ કેરળના પત્રકાર સિદ્દીક કપ્પન માટે દાખલ કરાયેલ હેબિયસ કોર્પ્સ પિટિશનની સુનાવણી ૧૬,નવે.નારો જ સોમવારે યોજાનાર છે. સિદ્દીક કપ્પન જ્યારે હાથરસમાં ૧૯ વર્ષની દલિત યુવતીના બળાત્કાર અને મૃત્યુ પર રિપોર્ટીંગ કરવા હાથરસ જઇ રહ્યાં હતાં ત્યારે તેમની ધરપકડ કરાઇ હતી. કેરળ યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટ (કેયુડબલ્યુજે) દ્વારા દાખલ કરાયેલ પિટિશનમાં કાયદાના શાસનનો અમલ કરવાની માગણી કરવામાં આવી છે કારણ કે જેલ સત્તાવાળાઓએ કપ્પનને તેના વકીલને મળવા કે તેના પરિવાર સાથે વાતચીત કરવાની મંજૂરી આપી નથી. કેયુડબલ્યુજે માટેના એક વકીલ વિલ્સ મેથ્યુએ જણાવ્યું હતું કે જ્યાં સિદ્દીક કપ્પનને રાખવામાં આવ્યાં છે તે મથુરા જેલ ખાતે હું ગયો હતો પરંતુ મને કપ્પનને મળવા દેવામાં આવ્યો ન હતો. આ મૂળભૂત માનવ અધિકાર અને કાયદાના શાસનના ઉલ્લંઘન સમાન છે. અમે સોમવારે આ બાબત અંગે સુપ્રીમ કોર્ટને કન્વિન્સ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં કેયુડબલ્યુજે વતી સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં હાજર થયાં હતાં. જ્યારે કેયુડબલ્યુજેે દ્વારા હેબિયસ કોર્પ્સ પિટિશન દાખલ કરીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરાયો હતો ત્યારે તેમણે એવું સૂચવ્યું હતું કે જામીન અરજી માટે અલ્હાબાદ હાઇકોર્ટેનો સંપર્ક કરવો જોઇએ. સુપ્રીમ કોર્ટ સામેની અરજીમાં અમે સિદ્દીક કપ્પન સાથેની મુલાકાત માટે માગણી કરી હતી. અમે ઇચ્છીએ છીએ કે કપ્પન પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરે. ઓક્ટો.થી તેને માત્ર એક જ વાર કોલ કરવા દેવામાં આવ્યો છે. અમારી માગણી છે કે સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ કે જિલ્લા અદાલતને પ્રસ્થાપિત પ્રોસિઝરને અનુસરવા આદેશ કરે. આ પિટિશનમાં જણાવાયું છે કે કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ પિટિશનમાં કાયદાના શાસનનો અમલ કરવા માટે જણાવાયું છે કારણ કે જેલ સત્તાવાળાઓએ કપ્પનને તેમના વકીલ કે તેના પરિવારને મળવા દેવામાં આવતાં નથી. આમ પરિવાર હવે સુપ્રીમ કોર્ટ પર આશા રાખીને બેઠો છે. સોમવારે તેની સુનાવણી થશે. અમે સાવ આશા ગુમાવી શકીએ નહીં. અમે આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટ ન્યાય કરશે.
ધરપકડ કરાયેલ કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે : સુપ્રીમ કોર્ટ ૧૬મીએ સુનાવણી હાથ ધરશે

Recent Comments