(એજન્સી) તા.૯
ઝી ન્યૂઝના પત્રકારો જીતેન્દ્ર શર્મા અને વિશાલ પાંડે મુજબ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ થઈ ન હતી. પરંતુ શકય છે કે કદાચ તેણે આત્મસમર્પણ કર્યું હોય. આ પત્રકારોનો દાવો છે કે, દુબે એ ઈરાદાપૂર્વક પોતાની જાતને પોલીસને સોંપી હતી. આથી તેની ધરપકડ તરફ દોરી જતાં ઘટના ક્રમ પર નજર નાખવી જરૂરી છે. ઉત્તરપ્રદેશ પોલીસના આઠ પોલીસ અધિકારીઓની હત્યા પછી ૩ જુલાઈ ર૦ર૦થી ફરાર થયેલો દુબે છેલ્લે ૭ જુલાઈના રોજ હરિયાણાના ફરીદાબાદમાં નજરે પડયો હતો. પત્રકારો મુજબ ઉત્તરપ્રદેશ પોલીસ, વહીવટીતંત્ર અને રાજકીય પક્ષોમાં દુબેના બાતમીદારો હતા જે પોલીસની વ્યૂહરચના અંગે તેને જાણકારી આપી દેતા હતા. કાનપુરના વિકરૂ ગામથી દિલ્હી-એનસીઆર થઈ ઉજજૈન સુધી દુબેની મુસાફરી શરણાગતિ માટેની એક યોજનાબદ્ધ વ્યૂહરચના તરફ ઈશારો કરે છે. પોલીસને શંકા હતી કે દુબે દિલ્હી અથવા તેની આસપાસ આવેલા એનસીઆર શહેરો નોઈડા, ગુરૂગ્રામ અથવા તો ફરીદાબાદમાં સંતાયો છે. પરંતુ ઉજજૈન ફરીદાબાદથી ૭૭૦ કિ.મી. દુર છે અને સડક માર્ગે મુસાફરી કરતા ૧૪ કલાકથી વધુ સમય લાગે છે. દુબેની આટલી લાંબી મુસાફરી અનેક પ્રશ્નો ઉભા કરે છે. સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીની પોલીસ ફોર્સ તેને શોધવા માટે સઘન શોધખોળ ચલાવી રહી હતી. તે દરમ્યાન તેણે આટલી લાંબી મુસાફરી કેવી રીતે કરી હતી ? આ ઉપરાંત જયારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે દુબેએ બૂમ પાડી હતી કે હું વિકાસ દુબે છું, કાનપુરવાળો સૂત્રોએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ડી.જી.પી. એ મુખ્યમંત્રી શિવરાજસિંઘ ચૌહાણને દુબેની ધરપકડ વિશે માહિતી આપી હતી ત્યાર બાદ ચૌહાણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફોન કરી આ ધરપકડ અંગે જાણ કરી હતી.