જામનગર, તા.૧૮
જામનગરના કુખ્યાત શખ્સ જયેશ પટેલ સામે સિટી સી ડિવિઝનમાં નોંધાયેલા એક ગુનામાં અદાલતે ધરપકડ વોરંટ કાઢ્યું હોવા છતાં આ આરોપી મળી આવતો ન હોય તેને ૩૦ દિવસમાં અદાલતમાં ઉપસ્થિત થવા અદાલતે આદેશ કર્યો છે.
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઈપીસી ૩૮૪, ૪૦૬, ૪ર૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૫૦૬(ર)ના ગુનામાં આરોપી તરીકે જામનગરના સરદારનગર વિસ્તારમાં ધનેશ્વર એપાર્ટમેન્ટમાં વસવાટ કરતાં જયેશ મુળજીભાઈ રાણપરીયા ઉર્ફે જયસુખ નામના શખ્સનું નામ ખુલ્યું છે. આ આરોપીએ ઉપરોક્ત કલમ મુજબનો શિક્ષાપાત્ર ગુનો કર્યો છે અથવા કર્યો હોવાની આશંકા છે ત્યારે આ શખ્સની ધરપકડ માટે વોરંટ મેળવી તપાસ કરવામાં આવી છે તેમ છતાં જયેશ પટેલ મળી આવતો ન હોવાના સેરા સાથે તે વોરંટ અદાલતમાં રજુ કરવામાં આવ્યું છે. આ ગુનામાં જયેશ પટેલને જવાબ આપવા હાજર થવા જામનગરના સાતમાં એડી. સિનિયર સિવિલ જજે ૩૦ દિવસની અંદર હાજર થઈ જવા તાકીદ કરી છે.