(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
ટાટા સમૂહની આભૂષણ બ્રાન્ડ તનિષ્કની આંતરધર્મીય લગ્નની જાહેરાતથી વિવાદ સર્જાયો છે. આ બ્રાન્ડના અધિકારીઓ દ્વારા એક જાહેરાતમાં દર્શાવવામાં આવ્યું હતું કે, એક હિન્દુ યુવતી મુસ્લિમ પરિવારમાં લગ્ન કરે છે. આ યુવતીના સિમનની તૈયારી ચાલી રહી હતી. તેની મુસ્લિમ સાસુ આ પ્રસંગની ચાલી રહેલી તૈયારીઓ પર દેખરેખ રાખે છે. આ યુવતીના સાસરિયા તમામ વિધિને હિન્દુ રિવાજો મુજબ ફરી ઉજવવાનું નક્કી કરે છે. મહિલા રિવાજોના વિરોધાભાસ સામે પ્રશ્નો ઉઠાવે છે અને પૂછે છે કે, આ રસમ આપના ઘરમાં થઈ રહી છે તો શું છે, (તમારા ઘરમાં આ પરંપરાઓનું પાલન કરવામાં આવતું નથી. સાચું ? જેના જવાબમાં તેની મુસ્લિમ સાસુ કહે છે કે, પુત્રીને ખુશ રાખવાનું તમામ ધર્મોમાં કહેવામાં આવ્યુંં છે. તનિષ્કના એક વર્ણન મુજબ, તેના લગ્ન એક એવા પરિવારમાં થયા છે જે તેને પોતાની સંતાનની જેમ પ્રેમ કરે છે. તેઓ પોતાની પુત્રવધુની ખુશી માટે પોતાના રિવાજોથી બહાર જઈ ઊજવણી કરવાનું નક્કી કરે છે. બે અલગ-અલગ ધર્મો, રિવાજો, સંસ્કૃતિઓનું એક અદ્‌ભૂત મિલન છે. જો કે ટ્‌વીટર પર આ જાહેરાતનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝરોએ જણાવ્યું હતું કે, આ જાહેરાત લવ-જેહાદને પ્રોત્સાહિત કરનારી છે અને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવનારી છે. જ્યારે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝરો આ જાહેરાતનું સમર્થન કરી રહ્યાં છે અને તેમની દલીલ છે કે, આ જાહેરાતમાં કંઈ જ ખોટું નથી તેમજ આ જાહેરાતનો હેતુ કોમી એકતા અને સદ્‌ભાવનાથી વિશેેષ કંઈ જ નથી.