(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૪
લોકડાઉનને લઈને અનેક ગરીબ અને શ્રમીક પરિવારોની રોજગારી બંધ થઈ જતા તેઓ માટે પરિવારનું ગુજરાન પણ ચલાવવું મુશ્કેલ બનતા આ સમયે આણંદ શહેરના મુસ્લિમ ઉલેમાઓ મેદાનમાં આવ્યા છે અને આણંદની મસ્જિદે ઈન્આમના ઈમામ હાફેજ ઈકબાલના નેતૃત્વમાં શહેરના ઉલેમાઓ અને જવાબદાર નાગરીકો દ્વારા પંદર દિવસથી લઈને એક મહિનો ચાલે તેટલા અનાજ, તેલ અને આવશ્યક ચીજવસ્તુઓનું કીટ તૈયાર કરી ૩૦૦૦થી વધુ ગરીબ અને શ્રમીક પરિવારોમાં વિતરણ કર્યું હતું.
ગઈકાલે મસ્જિદ ઈન્આમના ઈમામ હાફેજ ઈકબાલ, મૌલવી વસીમ, અમન સુથાર, કાઉન્સીલર મહેશ વસાવા, તૌસીફ હાફીજી અને હાફેજ ઈકબાલ સાહેબની ટીમ દ્વારા નાની ખોડીયાર વિસ્તારમાં રહેતા ગરીબ અને શ્રમીક પરિવારોને તેમજ બોરસદ ચોકડી પર આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોને કીટોનું વિતરણ કર્યું હતું ત્યારે કોમી એક્તા મહેકી ઉઠી હતી.
આ પ્રસંગે હાફેજ ઈકબાલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની આપત્તિ સમગ્ર દેશ ઉપર આવી પડી છે ત્યારે આપણા સૌની ફરજ છે કે નાત જાત કે ધર્મના ભેદભાવ વિના તમામ લોકોની મદદ કરવી જોઈએ અને હજરત મહંમદ પયંગબર (સ.અ.વ.) સાહેબે પણ માનવતાનો સંદેશ આપ્યો છે. ત્યારે આજે હિન્દુ-મુસ્લિમ પરિવારોને સમાન ધોરણે કોઈપણ ભેદભાવ રાખ્યા વિના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જો હજુ જરૂર પડશે તો અન્ય કીટોનું પણ વિતરણ કરાશે.
આ પ્રસંગે નાની ખોડીયાર વિસ્તારમાં રહેતા રામચંદ્રભાઈએ જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ દ્વારા કોઈપણ ભેદભાવ રાખ્યા વિના તેઓને અને આસપાસમાં આવેલા પરિવારોને મદદ કરી કોમી એક્તાનું ઉદાહરણ પુરું પાડી માનવતા દર્શાવી છે. તે બદલ તેઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.