(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૩૦
બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બરે ભાજપના ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસ માંથી જશુભાઈ પટેલે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હતું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભાજપ-કોંગ્રેસે જાહેરસભા યોજી પ્રાંત ઓફિસ સુધી જંગી રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસે જાતિવાદની રાજનીતિ છોડી ભાજપ સામે જંગ જીતવા સહકારી અગ્રણી અને માલપુર-બાયડ પંથકમાં દરેક સમાજના વર્ચસ્વ ધરાવતા અને લોકો માટે લડાયક નેતાની છાપ ધરાવતા જશુભાઈ પટેલને ટિકિટ આપતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૧૨ ઉમેદવારોએ જંગમાં જંપલાવ્યું છે.
બાયડ વિધાનસભા બેઠક પર છેલ્લી ઘડીએ એન.સી.પીએ સોગઠું રમી સાબરડેરીના પૂર્વ ડિરેક્ટર અને પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય ઠાકોર સમાજના આદ્યાત્મિક ગુરૂ એવા કદાવર આગેવાન દોલતસિંહ ચૌહાણને ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે ઠાકોર સમાજની બીકેટીએસ સેનામાંથી રાજુભાઈ ખાંટે અપક્ષમાંથી મોટી સંખ્યામાં સમાજના યુવાનો સાથે ઉમેદવારી પત્ર રજુ કરતા બાયડ વિધાનસભામાં ચતુષ્કોણીય જંગ જામે તો નવાઈ નહિ…!!
ભાજપમાંથી ઉમેદવારી પત્ર ધવલસિંહ ઝાલાએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ ઝાલા અને ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં ભર્યું હતું ઉમેદવારી પત્ર રજુ કરતા પહેલા જાહેરસભા યોજી રેલી સ્વરૂપે આવેદનપત્ર ભરી શક્તિ પ્રદર્શન કર્યું હતું આ સમયે સાંસદ દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા જિલ્લાના ત્રણે ધારાસભ્યો સંગઠન અરવલ્લી ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર જશુભાઈ પટેલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભર્યું હતું ઉમેદવારી પત્ર રજુ કરતા પહેલા કોંગ્રેસે શક્તિપ્રદર્શન કરી જંગી જાહેરસભા સાથે રેલી ઢોલ-નગારાના તાલે યોજી પ્રાંત કચેરીમાં પહોંચ્યા હતા કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા હતા.