ધાનેરા, તા.ર૪
ધાનેરા વિસ્તારના લોકોનું જીવન ખેતી અને પશુપાલન પર આધારિત છે. ખેતી અને પશુપાલનના વ્યવસાયના લીધે સ્કૂલો અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના કુટુંબ સાથે ખેતરોમાં વસવાટ કરે છે. ઘણા ખરા રોડ ખેતરની આજુબાજુથી પસાર થઈને ગામમાં જાય છે તે બાબતને ધ્યાનમાં રાખીને અને સ્થાનિક આગેવાનો અને વાલીઓની ભલામણને ધ્યાને લઈને શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સતત માંગ રહી હતી કે ધાનેરાથી વાયા રમુણા, નાનુડા, ભાંજણા, નેનાવા બસનો રૂટ બનાવવા આવે તો વિદ્યાર્થીઓને પોતાના ઘરથી શાળાએ જવા-આવવાની સરળતા રહે. આ ગામડામાં વસવાટ કરતા શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસનો સમય સવારના ૧૦થી પનો છે અને કોલેજના વિદ્યાર્થીઓનો અભ્યાસનો સમય સવારે ૮થી ૧૨નો છે, તો સવારે અને સાંજે વિદ્યાર્થીઓના અનુકૂળ સમયે બસની શરૂઆત કરવા માટે બસ, ડેપો મેનેજરને એનએસયુઆઈ/યુથ કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ડીસા ડેપો મેનેજરે બાંહેધરી આપી છે કે, સ્કૂલ/કોલેજની શરૂઆત થશે ત્યારે જે રજૂઆત કરી છે તે રૂટમાં બસ તાબડતોબ શરૂઆત કરવામાં આવશે.