(એજન્સી) ભોપાલ, તા.ર૩
મધ્યપ્રદેશની શિવરાજ સરકારમાં પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી ગોપાલ ભાર્ગવે રાજ્યમાં ખેડૂતોના મૃત્યુ અંગે વિચિત્ર નિવેદન આપ્યું છે, જેના લીધે તેઓ વિવાદોમાં સપડાયા છે. તેમણે ખેડૂતોની આત્મહત્યાને ધારાસભ્યોના મૃત્યુ સાથે સાંકળી લીધા. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોપાલ ભાર્ગવે કહ્યું કે, માત્ર ખેડૂતોના મોત પર જ આટલો હોબાળો કેમ થાય છે, મારી સામે ૧૦ ધારાસભ્યોના મોત નિપજ્યા છે, શું અમારામાં કોઈ તણાવ નથી રહેતો. કોઈ ધારાસભ્યને બ્રેઈન હેમરેજ થઈ જાય છે તો કોઈનું અન્ય કારણોસર મોત થઈ જાય છે. સાથે જ તેમણે કહ્યું અમે લોકો આટલી યાત્રાઓ કરીએ છીએ, મુલાકાતો કરીએ છીએ, અમારું જીવન હંમેશા જોખમમાં રહે છે, એવામાં ફકત ખેડૂતોના મોત પર જ હોબાળો કેમ થાય છે. સમાચાર અનુસાર પોતાના આ નિવેદન બાદ ગોપાલ ભાર્ગવે ખુદને સંભાળતા કહ્યું હતું કે મને ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ છે. તેમણે કહ્યું કે, મને દરેક માટે સહાનુભૂતિ છે, પરંતુ આપણા દરેકની પોતપોતાની સમસ્યાઓ છે. ગોપાલ ભાર્ગવે કહ્યું કે જે રીતે ધારાસભ્યો પર પોતાના ક્ષેત્રમાં કામ કરવાનું દબાણ રહે છે, તે જ રીતે વિદ્યાર્થીઓ પર અભ્યાસ, વેપારીઓ પર નફા-નુકસાન વગેરેનું દબાણ રહે છે. એવામાં કેટલાક લોકો આત્મહત્યા કરી લે છે. જો કે, માત્ર ખેડૂતોની આત્મહત્યા અંગે ચર્ચા ના થવી જોઈએ.