(એજન્સી) મુંબઇ, તા. ૧૨
મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. કોંગ્રેસમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીને રાજીનામું આપી દીધા બાદ ભાજપનો હાથ થામી લીધો છે. જ્યારે સિંધિયાના ડગલે ચાલતાં ૨૨ ધારાસભ્યોએ પણ રાજીનામું આપી કમલનાથ સરકારની મુશ્કેલી વધારી દીધી છે. એક તરફ કોંગ્રેસ નારાજ ધારાસભ્યોને મનાવવાની કોશિશમાં છે, જ્યારે બીજી તરફ અન્ય ધારાસભ્યને ભોપાલથી જયપુર શિફ્ટ કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે મધ્ય પ્રદેશની રાજનીતિમાં મચેલ ઉથલ-પાથલ પર રાજ્યના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહનું નિવેદન આવ્યું છે.
એક ઈન્ટર્વ્યૂમાં દિગ્વિજય સિંહે કહ્યું કે તે જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાની ઉમ્મીદ નહોતા કરી રહ્યા. દિગ્વિજય સિંહે કહ્યું કે, મને દુખ થાય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના પિતાની જયંતીના દિવસે જ આવું કર્યું. ખાસ કરીને મને એ વાતનું દુખ પહોંચ્યું છે કેમ કે અર્જુન સિંહ અને સંજય ગાંધી સાથે મળી મેં માધવરાવ સિંધિયાને કોંગ્રેસમાં લાવવાની ભૂમિકા નિભાવી જ્યારે તેમના મા જનસંઘ સાથે મજબૂતીથી ઉભા રહ્યાં હતાં. કોંગ્રેસે બંને સિંધિયા નેતાઓને ઘણું સન્માન આપ્યું અને તેમને મંત્રી પદ આપ્યું. માટે મને બહુ દુખ થાય છે. તેઓ અમારામાંથી એક હતા.
દિગ્વિજય સિંહને પૂછવામાં આવ્યું કે શું રાજ્યસભા માટે ના પાડવી સિંધિયાનુ પાર્ટી છોડવા પાછળનું કારણ હતું? જેનાપર પૂર્વ સીએમે આ અહેવાલોને ફગાવતા કહ્યું, તેમને કોણે ના પાડી હતી. અમે લોકો રાજ્યસભા માટે તેમના પક્ષમાં હતા. અમે તેમને પીસીસી અધ્યક્ષ નિયુક્ત કરવા અને એટલું જ નહિ તેમને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનાવવાનો પણ વિકલ્પ જોઈ રહ્યા હતા. આ વિશે મેં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહાસચિવ દીપક બાબરિયા સાથે પણ વાત કરી હતી.