(સંવાદદાતા દ્વાર) ગાંધીનગર, તા.૧૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારની વિવેકાધીન યોજના, પ્રોત્સાહક યોજના અને ATVT યોજના તથા ધારાસભ્યોની ગ્રાન્ટના લોકોપયોગી કામો સુવિધાઓનો વ્યાપ વધારવાનો પ્રજાભિમુખ નિર્ણય કર્યો છે એટલે કે હવેથી ધારાસભ્યોની ગ્રાન્ટમાં પ્રજા માટેના વધુ કામો થઈ શકશે.
ઊર્જામંત્રી સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીઓ સર્વશ્રી ગણપતસિંહ વસાવા, પ્રદિપસિંહ જાડેજા અને જયદ્રથસિંહ પરમારની બનેલી સમિતિ સમક્ષ આવાં કામોની યાદીમાં સુધારા-વધારા કરવા માટે મળેલી રજૂઆતોનો સાનુકૂળ પ્રતિસાદ આપતાં વિજય રૂપાણીએ લોકોપયોગી કામો અને સુવિધાનો વ્યાપ વધારવાનો આ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર વિવેકાધીન યોજના અને પ્રોત્સાહક યોજના હેઠળ જાહેર સ્નાનઘર, પ્રાથમિક શાળાઓમાં R.O.પ્લાન્ટ, પ્રાર્થના-સમુહ કવાયત જેવી સામુહિક પ્રવૃત્તિઓ માટે સાદા શેડ જેવા કામો ઉમેરવામાં આવ્યા છે.
તમામ ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી રૂા.૭ લાખની મર્યાદામાં આંગણવાડીના કામો તેમજ ગામ દીઠ એક પક્ષીઘરના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ATVT યોજના હેઠળ પ્રાથમિક શાળાઓમાં R.O. પ્લાન્ટ, જાહેર કુવાઓની સંરક્ષણ દિવાલ અને પ્રોકટેશન નેટ, સ્મશાનગૃહના કામો, પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના-સમુહ કવાયત જેવી સામુહિક પ્રવૃત્તિઓ માટે સાદા શેડના કામો, ગ્રામ પંચાયતમાં તેમજ જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળોએ પેવરબ્લોકના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવેકાધીન યોજના હેઠળ મધ્યાહન ભોજનની યોજનાના કામોમાં કામ દીઠ મર્યાદા રૂા. ૨૫ હજારથી વધારીને રૂા.૫૦ હજાર કરવામાં આવી છે તેમજ પ્રાથમિક શાળાઓમાં લાઇબ્રેરીમાં પુસ્તકો અને કબાટ ખરીદવાની રૂા.૫૦ હજારની મર્યાદામાં વધારો કરીને રૂા. ૧ લાખ કરવામાં આવી છે. આ યોજનામાં સરકારી હોસ્પિટલોમાં નિદાન તેમજ સારવારના સાધનો પૂરા પાડવાની એક વારની મર્યાદા દૂર કરવામાં આવી છે.