(એજન્સી)નવી દિલ્હી, તા.રર
ચૂંટણી પંચે ધારાસભ્યોની માનવતા રદ કરવા અંગે પોતાનો મત ગણ્યો નહીં હોવાના આમ આદમી પાર્ટીના દાવાની કોંગ્રેસે ટીકા કરી હતી. દિલ્હી કોંગ્રેસ પ્રમુખ અજય માકને દાવો કર્યો હતો કે, આપ અને ભાજપ વચ્ચે ર૦ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મુદ્દે સમજૂતી થઈ હતી. ગત ડિસેમ્બર માસમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ જવા બાદ આ સભ્યપદ રદ કરવાની સમજૂતી થઈ હતી. જો રર ડિસેમ્બર પહેલાં નિર્ણય લેવાઈ જતો તો ર૦ ધારાસભ્યો ગેરલાયક ઠરતા અને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરી શકતા નહીં. ભાજપ અને ચૂંટણી પંચે આપને મદદ કરી છે. માકને જણાવ્યું હતું કે, આ ર૦ ધારાસભ્યોનું પદ રદ કરવાનો નિર્ણય એક દિવસમાં લેવાયો નથી. લાંબી તપાસ બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. અમે જૂન ર૦૧૬માં ચૂંટણી પંચને અરજી કરી હતી. ચૂંટણી પંચે ૧૧ દિવસ સુધી આપના ધારાસભ્યોની રજૂઆત સાંભળી હતી અને ત્યારબાદ જ આ અંગેનો નિર્ણય લેવાયો હતો. આમ આદમી પાર્ટી આ નિર્ણયને પાછળ ઠેલવવા માંગતી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચૂંટણી પંચની ભલામણને માન્ય રાખતા રવિવારે આપના ર૦ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા.