અમદાવાદ,તા.ર૬

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વી.એસ. હોસ્પિટલના મામલે હાઈકોર્ટમાં ભરાઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. એક તરફ કોર્પોરેશન હાઈકોર્ટમાં વી.એસ. હોસ્પિટલ કાર્યરત હોવાનો દાવો કરે છે. બીજી તરફ કેથલેબની ર૭ કરોડથી વધુ કિંમતની નવી જ મશીનરી ઈ-હરાજી દ્વારા માત્ર રૂા. ૬૦ લાખની અપસેટ વેલ્યુથી વેચવા કાઢી આ જુની બિલ્ડીંગમાં આવેલી કેથલેબને તોડવાની દરખાસ્ત મંજૂર કરી દેતા  મ્યુનિ.ની દાનત પર શંકા ઉપજી રહી છે. આમ હાઈકોર્ટના હુકમનો અનાદર કરી વી.એસ. હોસ્પિટલ તોડવા મથતા ભાજપ શાસકોના આ  પ્રજા વિરોધી નિર્ણય સામે હવે પુનઃઉગ્ર આંદોલન છેડવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કમરકસી છે.

મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને પત્ર પાઠવી વી.એસ.ની સ્થિતિ અંગે અવગત કરાવતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે મ્યુનિ. કોર્પો.ના સત્તાધીશો દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સત્યથી વિપરીત વીએસ હોસ્પિટલ કાર્યરત હોવાનો દાવો વાસ્તવિક હોય તો મ્યુનિ. કોર્પો. દ્વારા ર૭ કરોડથી વધુ કિંમતની નવી જ સાધન સામગ્રી ઈ-હરાજી દ્વારા ફકત રૂા.૬૦ લાખની અપસેટ વેલ્યુથી કયા કારણોસર વેચવામાં આવી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ ગત જાન્યુઆરી ર૦૧૯માં એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું તે  વખતે જ વી.એસ. હોસ્પિટલને તાળુ મારવાનું નક્કી કરી લીધું હતું. ત્યારે તાજેતરમાં મળેલી બેઠકમાં વીએસ હોસ્પિટલના હેરિટેજ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોર પર આવેલ કેથલેબ ડેમોલીશન કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. એસવીપી હોસ્પિટલના પ્લાન પાસ કરાયા ત્યારે જૂની વીએસ હોસ્પિટલને તોડી ત્યાં પાર્કીંગ દર્શાવેલુ છે. આ કેથલેબ તોડવાના નામે પહેલા પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી કરાશે ત્યાર બાદ આખી હોસ્પિટલ તોડાશે તે નક્કી છે. જે પ્રજા સાથે વિશ્વાસઘાત છે. આ કાર્યવાહીને અમો સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. કેથલેબ તોડયા બાદ એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફી જેવી સુવિધા પર પૂર્ણ વિરામ મુકાઈ જશે. હાઈકોર્ટે વીએસ હોસ્પિટલને પુનઃ સજીવન કરવાના મુદ્દે જવાબ રજૂ કરવાનો હુકમ કર્યો છે. ત્યારે હાઈકોર્ટમાં આ કેસમાં યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી કેથલેબને તોડવાની દરખાસ્ત અને રૂા.ર૭ કરોડથી વધુની કિંમતની મશીનરી મફતના ભાવે વેચાણ કરવાનો નિર્ણય રદ કરવો જોઈએ.  અત્રે ઉલ્લેખનીય છે કે ગરીબોની જીવાદોરી એવી વીએસ હોસ્પિટલ પુનઃ સજીવન કરવા મુદ્દે હાઈકોર્ટ ખૂબ  ગંભીર હોય તેમ જણાઈ રહ્યું છે. કારણ કે  બે દિવસ પહેલા જ હાઈકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ સહિતની ખંડપીઠે વી.એસ. હોસ્પિટલ મુદ્દે રાજય સરકાર અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ પાઠવી સાબિત કરી આપ્યું છે આથી સામાન્ય પ્રજામાં એવી આશા જાગી છે કે, કાનૂની દાવપેચ રમી મ્યુનિસિપલ તંત્ર  વીએસ હોસ્પિટલને તોડવા ગમે તેટલા ધમપછાડા કરે પરંતુ હાઈકોર્ટ તંત્રનો કાન આમળશે તે નક્કી જ છે.