પાટણ, તા.૩
પાટણની ઉત્તર ગુજરાત યુનિ. સંલગ્ન બી.એડ. કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાના મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી ભૂખ હડતાળ ઉપર ઉતરેલા વિદ્યાર્થીઓ પૈકી આજે એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાજપૂતની તબિયત લથડતાં ૧૦૮ બોલાવી સારવાર આપવામાં આવી હતી, જ્યારે મોડીસાંજે ધરણા પર બેઠેલા પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલની બી-ડિવિઝન પોલીસે ધરપકડ કરતા ઉત્તેજના છવાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યો ડૉ.કિરીટ પટેલ તથા ચંદનજી ઠાકોરે ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓની ગુરૂવારે મુલાકાત લીધી હતી. ત્યારબાદ કુલપતિને મળી તાત્કાલિક અસરથી કારોબારીની બેઠક બોલાવવા રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં કુલપતિએ શુક્રવારે કારોબારી બેઠક બોલાવવાની હૈયાધારણા આપી હતી. દરમિયાન આજે મળેલી કારોબારીની બેઠકમાં વિદ્યાર્થીઓની માગણીઓનો કોઈ નિવેડો આવ્યો ન હતો. કારોબારી પૂર્ણ થયા બાદ કુલપતિ ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને મળવાને બદલે પાછલા બારણેથી નિવાસસ્થાને જતા રહેતા વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ સાથે કુલપતિના ઘર સામે જ ધરણા પર બેસી જઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમયે પોલીસે ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલની ધરપકડ કરી વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો.