(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૬
ગુજરાતમાં અગાઉ રાજયસભાની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં કરોડો રૂપિયાના નાણાં અપાયા હોવાના આક્ષેપો પણ થયા હતા. આ આક્ષેપોને સમર્થન આપતો ધડાકો ભાજપમાં જોડાયેલ અને હાલમાં પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારે કરતા રાજકારણ બરોબરનું ગરમાયું છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ઉમેદવારી કરનાર ધારી બેઠકના ઉમેદવાર જે.વી. કાકડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા અને હાલમાં જેઓને ચૂંટણી લડવા ટિકિટ મળી નથી. તેઓએ ૧૬-૧૬ કરોડ રૂપિયા લીધા હોવાની આડકતરી કબૂલાત કરતા ચર્ચાનું બજાર ગરમ થયું છે. ધારી બેઠક પરથી કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર જે.વી. કાકડિયાએ હાલમાં ભાજપમાંથી ટિકિટ મેળવી પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. તેમણે આપેલ નિવેદનને લઈ વિવાદ ઉભો થાય તેમ સ્પષ્ટ જણાય છે. પેટાચૂંટણી ટાણે તેમણે આ નિવેદન એક ટીવી ચેનલના કાર્યક્રમમાં આપ્યું હતું. જેમાં તેમણે રાજયસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોને ૧૬ કરોડ રૂપિયાની ઓફર કરાઈ હોવાની કબૂલાત કરી હોવાનું સ્પષ્ટ થતું હતું. કાકડિયાએ આડકતરી રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જે ધારાસભ્યોને ટિકિટ નથી મળી તેમણે ૧૬-૧૬ કરોડ રૂપિયા લીધા હોવાની કબૂલાત કરી કાકડિયાએ ધારાસભ્યોના ખરીદ વેચાણ અંગે કહ્યું કે મેં ૧૬ કરોડ રૂપિયા તો છોડો પણ ૧ કરોડ પણ નથી લીધા. તેમણે કહ્યું કે મેં જો ૧૬ કરોડ રૂપિયા લીધા હોય તો ટીકિટ ન મળે અને બે ઓફરમાંથી એક જ કમિટમેન્ટ મળે. કાં તો ટિકિટ મળે અને કાં તો પૈસા મળે જેવી કાકડિયાએ કહ્યું મેં ટિકિટ લેવાનું પસંદ કર્યું. આમ કાકડિયાએ કોંગ્રેસ છોડીને રાજીનામું આપનારા ત્રણ ધારાસભ્યો સોમા ગાંડાભાઈ પટેલ, મંગળ ગાવિત અને પ્રવિણ મારૂને ટિકિટ નથી મળી તેના બદલામાં તેમણે ભાજપ પાસેથી ૧૬-૧૬ કરોડ રૂપિયા લીધા હોવાનું આડકતરી રીતે કહ્યું છે. કાકડિયાએ કરેલી આ કબૂલાત ગંભીર છે અને ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે પાયે નાણા વેરવામાં આવ્યા હોવાના આક્ષેપોને સમર્થન આપે આપતા હોઈ આ અંગેનો વિવાદ હવે વધુ ચગે તેવી શકયતા છે.