(એજન્સી) નવી દિલ્હી, તા.૮
લાંબા ૪-૪ લોકડાઉન બાદ પણ દેશમાં કોરોનાનો કાળો કેર હજુ અટકવાનું નામ લેતો નથી તેમ છતાં અર્થતંત્રની ગાડીને પાટે ચઢાવવા સરકારે ૮ જૂનથી લોકડાઉનમાં વધુ છૂટછાટ આપવા કરેલી જાહેરાતના પગલે આજે રાજધાની દિલ્હી સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ધાર્મિક સ્થળો, શોપીંગ મોલ, હોટેલ- રેસ્ટોરન્ટ વગેરે ખુલ્યા હતા. આ સ્થળોએ મુલાકાતીઓની શરૂઆતમાં જો કે ઓછી ભીડભાડ જોવા મળી હતી,. દરેક મુલાકાતી માસ્કધારી જોવા મળ્યોે હતો. જે તે મોલ-હોટેલ વગેર દ્વારા મુલાકાતીનું સેનેટાઇઝર કરવું, તાવ માપવો વગેરેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. જો કે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરાવવાનો પ્રયાસ કરાયો હતો. આર્થિક ગતિવિધિઓ અને સામાન્ય જનજીવનને વેગ આપવા માટે અનલોક-૧ આજથી શરૂ થયુ છે. અનલોક-૧માં ભલે છુટ આપવામાં આવી હોય પરંતુ માહોલ ૨૪મી માર્ચ પહેલો જેવો નથી જોવા મળ્યો. જો કે હજુ અનેક પ્રવૃતિઓ પર પ્રતિબંધ ચાલુ છે. કોરોનાના કન્ટેનમેન્ટ ઝોનમાં આ પ્રકારની કોઈ છૂટ આપવામાં આવી નથી. મોટા સમારોહ, શાળા-કોલેજો, જીમ વગેરે પર હજુ પ્રતિબંધ ચાલુ જ છે. આજથી મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા, ચર્ચ વગેરે ભકતો માટે ખુલી ગયા છે. જો કે પ્રસિદ્ધ ધર્મસ્થાનો તબક્કાવાર ખુલશે
સરકારે આજથી અનલોક-૧નો પ્રારંભ કરી શોપીંગ મોલ અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજુરી આપી છે. મોલ આજથી ખુલ્યા છે પરંતુ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. અંદર ભીડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની સુચના છે.. આ ઉપરાંત નાઈટ કર્ફયુને બાદ કરતા હવે બહાર જવા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી. એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પરમીશનની પણ જરૂર નથી. બાઈકમાં બે લોકો બેસી શકે છે. કારમાં પણ બેસવાના પ્રતિબંધ ઉઠાવી લેવાયા છે. ઓફિસો હવેથી પૂર્ણ ક્ષમતાથી શરૂ થઈ ગઈ છે. જો કે સ્વચ્છતા અને સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યુ છે.
આજથી મોટાભાગના મંદિરો, મસ્જિદો પણ ભકતો માટે ખુલી ગયા છે. આજથી ભલે મોટાભાગનો દેશ ફરી ખુલી ગયો છે પરંતુ સરકારે ઘડેલી તમામ ગાઈડ લાઈન્સનો લોકોએ અને સંચાલકોએ અમલ કરવાનો રહેશે. સ્વચ્છતા, માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગ, સેનેટાઈઝેશન વગેરે નિયમોનું કડક પાલન કરવાનુ રહેશે
ધાર્મિક સ્થળોમાં સાબુથી હાથ ધોવાના રહેશે. જૂતાં-ચપ્પલ ગાડીમાં જ રાખવાના રહેશે. જ્યારે મોલ અને હોટલ, રેસ્ટોરન્ટમાં માસ્ક, સેનેટાઈઝર, ૫૦ ટકા કેપેસીટી, ડીસ્પોઝેબલ મેનુ અને નેપકીન, ફુડ કોર્ટમાં અડધા લોકોને જ પ્રવેશ, શોરૂમમાં ચેન્જીંગ એરીયા પણ બંધ રહેશે. જો કે મહારાષ્ટ્ર, ઝારખંડ, ગોવા, ઓડીસામાં ૩૦મી સુધી ધાર્મિક સ્થાનો બંધ રહેશે.